ઘરમાં ભમતું મોત

18 August, 2022 09:14 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ગોરેગામમાં બીએમસી ક્વૉર્ટર્સમાં જીવ જોખમમાં મૂકીને રહેતા બીએમસીના સફાઈ-કર્મચારીઓ કહે છે કે કાલે સવારે જીવતા હોઈશું કે કેમ એની નથી ખબર: તેમની જગ્યા ખંડેર જેવી હાલતમાં છે, સ્લૅબ વારતહેવારે પડતા રહે છે

જીવ જોખમમાં મૂકીને મુંબઈને સાફ રાખનારા ગોરેગામની બીએમસી કૉલોનીમાં રહેતા સફાઈ-કર્મચારીઓ આવી હાલતમાં રહેવા પર મજબૂર છે

ગોરેગામ-ઈસ્ટમાં રોડ-નંબર પાંચ પર આવેલા જયપ્રકાશનગરમાં આવેલી બીએમસી કૉલોનીમાં રહેતા સફાઈ-કર્મચારીઓ અને તેમના પરિવારજનો જીવ મુઠ્ઠીમાં લઈને રહે છે. ક્યારે માથા પર સીલિંગનું ગાબડું પડશે અને તેમનો જીવ જતો રહેશે એની તેમને જાણ નથી. કૉલોનીની દિવસે-દિવસે ખંડેર જેવી હાલત થઈ રહી હોવા છતાં કર્મચારીઓને તેમના હાલ પર છોડી દીધા હોય એવું લાગે છે. એથી આજે તેઓ એવું કહેવા પર મજબૂર છે કે મુંબઈને સ્વચ્છ રાખવા સેવા આપી રહ્યા છીએ એ અમારી ભૂલ છે કે શું?

ગોરેગામમાં જયપ્રકાશનગરમાં બીએમસી કૉલોનીમાં ગ્રાઉન્ડ પ્લસ બેનાં ત્રણ બિલ્ડિંગો આવેલાં છે. એમાં ૩૬થી વધુ પરિવારો રહે છે. આ કૉલોની નિર્માણ કરવા પહેલાં અહીં હાલના સફાઈ-કર્મચારીઓના પૂર્વજો રહેતા હતા. આશરે ૧૯૫૦માં તેઓ ઝૂંપડામાં રહીને શહેરમાં સ્વચ્છતાનું કામ કરતા હતા. ત્યાર બાદ ૧૯૬૧-’૬૨માં અહીં બીએમસીએ કૉલોની બાંધીને સફાઈ-કર્મચારીઓને રહેવા ઘર આપ્યાં હતાં. ઘણાં વર્ષોથી ઝૂંપડામાં રહેતા અન્ય લોકોને મુંબઈમાં અનેક ઠેકાણે એસઆરએ સ્કીમ હેઠળ પોતાની માલિકાનાં પાકાં ઘર મળ્યાં છે, જ્યારે અહીં રહેતા લોકો મહાનગરપાલિકામાં સેવા આપી રહ્યા હોવાથી તેમને બીએમસી ક્વૉર્ટર્સ રહેવા મળ્યાં હતાં જેની આજે ખંડેર અવસ્થા હોવા છતાં એ વિશે વિશેષ કંઈ ધ્યાન અપાતું ન હોવાથી બીએમસીના કર્મચારીઓને આવી હાલતમાં રહેવું પડે છે.

ડરના વાતાવરણમાં જીવીએ છીએ
ગોરેગામની બીએમસી કૉલોનીની ‘સી’ વિંગમાં રહેતા સફાઈ-કર્મચારી ઘનશ્યામ રાજપૂતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી કૉલોની વર્ષો જૂની છે અને અનેક વખત એનું રિપેરિંગ પણ થઈ ચૂક્યું છે. આશરે ૧૦ વર્ષ પહેલાં બિલ્ડિંગનું રિપેરિંગ થયું હતું, પરંતુ આજની તારીખમાં કોઈના ને કોઈના ઘરે સીલિંગ પરથી કે ટૉઇલેટ, કિચનની દીવાલમાંથી ગાબડું પડતું હોય છે. દીવાલો પર તિરાડો પડી ગઈ છે. મારી બહેનની ડિલિવરી થઈ હોવાથી તે મારે ત્યાં આવી છે. બહેન તેના બાળકને લઈને હૉલમાં બેઠી હતી અને તે જેવી ઊઠી કે હૉલમાં સીલિંગ પરથી જોરદાર ગાબડું પડ્યું હતું. એ તો પ્રભુની કૃપા કે બચી ગઈ, નહીં તો જાનહાનિ પણ થઈ હોત. આવો જ બનાવ અન્ય એક રહેવાસીને ત્યાં બન્યો હતો. ઘરમાં રહેતી મહિલા બાથરૂમમાંથી બહાર જ નીકળી હતી કે બાથરૂમમાં ગાબડું પડ્યું અને તે પણ બચી ગઈ હતી. રાતના સૂતા અને જમતી વખતે ખૂબ ડર લાગે છે કે કંઈ માથે તો પડશે નહીંને.’

વરસાદમાં વધુ ચિંતા
અહીંના અન્ય રહેવાસી રોહન સોલંકીએ કહ્યું હતું કે ‘વરસાદની મોસમમાં સારી હાલતમાં હોય એવાં બિલ્ડિંગોમાં પણ દુર્ઘટના થતી આપણે જોઈએ છીએ, ત્યારે અમારાં બિલ્ડિંગો તો કથળેલી હાલતમાં છે. રોજ ચિંતા સાથે સૂઈએ કે કંઈ થશે તો નહીંને. અનેક વખત બનેલા બનાવમાં બાળકો અને મહિલાઓ થોડા માટે બચી ગયાં છે. અમે તો જીવ જોખમમાં મૂકીને મુંબઈને સાફ કરવામાં વ્યસ્ત રહીએ છીએ તો તંત્ર અમને રહેવા માટે સારું ઘર સુધ્ધાં આપી શકતું નથી. અનેક વખત મીટિંગ લીધી, પણ ફક્ત આશ્વાસન જ અપાય છે. બીએમસી કૉલોનીમાં રહીને પણ અમારા પગારમાંથી ભાડું તો કપાય જ છે.’

સફાઈ કરવાની સેવા આપવી ભૂલ છે?
પોતાની નારાજગી વ્યક્ત કરતાં ઘનશ્યામભાઈએ કહ્યું હતું કે ‘બીએમસીમાં સેવા આપતા ન હોત તો ઝૂંપડાને બદલે અમારા પૂર્વજોને એસઆરએ સ્કીમ હેઠળ પોતાની માલિકીનાં ઘર તો મળ્યાં હોત. સેવા આપી રહ્યા છીએ એટલે અમને માલિકીના ઘરના હકથી પણ વંચિત રાખ્યા છે. આટલાં વર્ષોથી રહીએ છીએ છતાં ઘર ઓનરશિપ પર કર્યાં નથી. કોઈ દુર્ઘટના બનશે તો અમે ક્યાં જઈશું. મારાં દાદા-દાદી સ્વચ્છતા રાખવા ગંદકી સાફ કરતાં હતાં. મારા દાદા નાની ઉંમરે બીમાર થઈને ૪૫ વર્ષે ગુજરી ગયા હતા, જ્યારે દાદીને ઑન-ડ્યુટી બ્લડની ઊલટી થઈ અને સારવાર દરમ્યાન તેઓ પણ મૃત્યુ પામ્યાં હતાં. અમે તો સેવા આપવા તત્પર રહ્યા અને એ ન કર્યું હોત તો કદાચ આજે મુંબઈમાં અમારું પોતાનું પણ ઘર હોત. હાલમાં માલિકીહકના ઘર માટે અમે માગણી કરી રહ્યા છીએ, પણ એવું લાગે છે કે અમે ભીખ માગી રહ્યા છીએ. અમારી જીવના જોખમે કડી મહેનત કોઈને દેખાતી નથી?’

સફાઈ-કામદાર માલિકી ઘર સમિતિના અધ્યક્ષ ભરત સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશરે પાંચેક વર્ષ પહેલાં જ ડૉક્યાર્ડ રોડ પરની બીએમસી કૉલોનીમાં દુર્ઘટના બનતાં અનેક સફાઈ-કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. આ કૉલોની પણ ખૂબ કથળેલી હાલતમાં છે, ઘરમાં પાણી પણ પડે છે. અધિકારીઓને ફરિયાદ કરીએ એટલે માહૂલ મોકલાવી દઈશું એવું કહે છે. કોર્ટે પણ કહ્યું છે કે માહૂલ રહેવા જેવી જગ્યા નથી. અન્ય સરકારી-કર્મચારીઓને સારી સુવિધાઓ મળતી હોય તો સફાઈ-કર્મચારીઓને કેમ નહીં? જે ભાડું ભરીને બીએમસી કૉલોનીમાં રહીએ છીએ એ લોકોને આટલાં વર્ષોના યોગદાન બાદ તો બિરદાવવા જોઈએ કે નહીં?’

બીએમસીનું શું કહેવું છે?
આ બાબતે બીએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (એસડબ્લ્યુએમ) ડૉ. સંગીતા હસનાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સંદર્ભે જે પણ માહિતી તમારી પાસે છે એ મારી સાથે શૅર કરો. હું તાત્કાલિક ધોરણે સંબંધિત અધિકારીને પગલાં લેવા જણાવીશ.’

mumbai mumbai news brihanmumbai municipal corporation goregaon preeti khuman-thakur