આદિત્યના આઇડિયાથી બીએમસી બોલ્ડ

24 May, 2022 07:51 AM IST  |  Mumbai | Sameer Surve

પીએપી માટેનાં ઘરોમાં ભેખડ ધસી પડવાની સંભાવનાવાળા વિસ્તારના પરિવારોનું સ્થળાંતર કરવાનું આદિત્ય ઠાકરેએ કહેતાં બીએમસીના બાબુઓ સ્તબ્ધ

મુંબઈ ઉપનગરના ગાર્ડિયન પ્રધાન આદિત્ય ઠાકરે.


મુંબઈ : રાજ્ય સરકાર બીએમસી દ્વારા પ્રોજેક્ટ અફેક્ટેડ પીપલ (પીએપી) માટે બાંધવામાં આવેલાં ઘરોમાં શહેરના ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં રહેતા પરિવારના લોકોનું સ્થળાંતર કરવા વિચારી રહી હોવાનું જણાવીને મુંબઈ ઉપનગરના ગાર્ડિયન પ્રધાન આદિત્ય ઠાકરેએ બીએમસીના અધિકારીઓને સ્તબ્ધ કર્યા હતા. બીએમસીના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે જો આ ઘરો અન્ય હેતુ માટે સોંપવામાં આવશે તો શહેરના અનેક મહત્ત્વના પ્રોજેક્ટ્સની સમયમર્યાદા બદલાઈ જવાની સંભાવના છે. 
૨૦૧૭માં જિઓલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં કુલ ૨૪૦ જેટલા ભૂસ્ખલન સંભવિત વિસ્તારો ઓળખી કઢાયા હતા, જેમાં અંદાજે ૨૦,૦૦૦ જેટલા પરિવાર રહે છે. ગયા વર્ષે ૩૨ લોકોનાં મૃત્યુ થયાં બાદ રાજ્ય સરકારે આ પરિવારોને સ્થળાંતરિત કરવાની યોજના ઘડી હતી એમ જણાવીને ચોમાસા પહેલાં કરવામાં આવેલાં કામ સંબંધે યોજાયેલી મીટિંગ બાદ આદિત્ય ઠાકરેએ વધુમાં ઉમેર્યું હતું કે આ પરિવારોને સ્થળાંતરિત કરવા અમે બીએમસી દ્વારા બાંધવામાં આવેલાં પીએપી ઘરોનો ઉપયોગ કરી શકીએ છીએ.  
 જોકે આ જાહેરાતે બીએમસીને મૂંઝવણમાં મૂકી દીધી હતી. જો રાજ્ય સરકાર પીએપી ઘરોનો ઉપયોગ કરવા વિચારશે તો બીએમસીના અન્ય પ્રોજેક્ટ્સ પર એની અસર પડશે એમ જણાવતાં બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ભૂસ્ખલન સંભવિત વિસ્તારો મોટા ભાગે સરકારી સંસ્થાઓ જેમ કે વન, મહેસૂલ અને હાઉસિંગ વિભાગના હસ્તક હોય છે. આથી જો સરકાર આ પરિવારોને તેમની જ જમીન પર સ્થળાંતરિત કરે એ જ યોગ્ય રહેશે.’ 
બીએમસીએ પીએપી માટે ૫૦,૦૦૦ ઘરો બાંધવાની યોજના તૈયાર કરી છે. વર્ષોની મહેનત પછી માંડ ચાર જમીનમાલિકો પ્રોજેક્ટ માટે આગળ આવ્યા છે. સુધરાઈએ પ્રભાદેવી, ચાંદિવલી, ભાંડુપ અને મુલુંડ ખાતે ખાનગી જમીન પર ૧૫,૦૦૦ ઘરો બાંધવાની દરખાસ્ત મંજૂર કરી છે. બીએમસી ક્રેડિટ નોટ્સ અને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સના સ્વરૂપમાં ચુકવણી કરશે. 
હાલપૂરતું બીએમસીને નદીઓના પુનર્જીવન, રસ્તા પહોળા કરવા અને પાણીપુરવઠાની કામગીરી જેવા પ્રોજેક્ટ્સથી અસરગ્રસ્ત લોકો માટે ૩૬,૦૦૦ ઘરોની આવશ્યકતા છે. અમારી પાસે ૨૦૦૦ ઘરો તૈયાર છે અને અમારા ભવિષ્યના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખતાં અમારે હજી ૧૪,૦૦૦ ઘર જોઈશે એમ જણાવતાં બીએમસીના અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે ‘પીએપી ઘરો માટે અમને ખાનગી જમીનમાલિકો પાસેથી વધુ સહકાર મળતો નથી. જો રાજ્ય સરકાર આ ઘરોનો ઉપયોગ ભૂસ્ખલન સંભવિત વિસ્તારો પરિવારોના સ્થળાંતર માટે ઉપયોગમાં લેશે તો અમારા પ્રોજેક્ટ્સ પર એની અસર પડશે.’ 
દરમ્યાન બીએમસી પાસે પ્રોજેક્ટ દ્વારા અસરગ્રસ્ત ૯૦૦ બાંધકામોના માલિકોનું પુનર્વસન કરવા માટે આસપાસના વિસ્તારમાં પૂરતાં ઘર ન હોવાથી મીઠી નદીના કાયાકલ્પના પ્રોજેક્ટને ફટકો પડ્યો છે. 

mumbai news mumbai aaditya thackeray