ફ્રન્ટ લાઇન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવા માટે BMCએ રાજ્ય સરકારને પાઠવ્યો પ્રસ્તાવ

25 November, 2021 08:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મરાઠી સમાચાર ચેનલ એબીપી માઝાના અહેવાલ મુજબ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્રન્ટ લાઇન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવા માટે મહારાષ્ટ્ર ટાસ્ક ફોર્સને પ્રસ્તાવ મોકલ્યો છે.

ફાઇલ ફોટો

એક તરફ જ્યા કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહી છે અને એઇમ્સ (AIIMS)ના ડિરેક્ટરે પણ બૂસ્ટર ડોઝની જરૂરિયાતને નકારી કાઢી છે, ત્યારે મુંબઈ મહાનગર પાલિકાએ સામે ચાલીને મહારાષ્ટ્ર સરકારને ફ્રન્ટ લાઇન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવાનો પ્રસ્તાવ પાઠવ્યો છે.

મરાઠી સમાચાર ચેનલ એબીપી માઝાના અહેવાલ મુજબ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્રન્ટ લાઇન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવા માટે મહારાષ્ટ્ર ટાસ્ક ફોર્સને પ્રસ્તાવ મોકલ્યો છે. પાલિકાનું કહેવું છે કે ફ્રન્ટ લાઇનના કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવાની જરૂર છે. મુંબઈમાં રસીકરણ અભિયાન શરૂ થયાને 10 મહિના થઈ ગયા છે. તેથી, ફ્રન્ટ લાઇન કામદારોના શરીરમાં એન્ટિબોડીઝની અસરમાં ઘટાડો થવાની સંભાવના છે.

જેઓને કોવિડ સામે રસી આપવામાં આવી છે, તેઓમાં શું રસીની અસર ઓછી થઈ રહી છે? આ પ્રશ્નનો જવાબ આપતા વોકહાર્ટ હોસ્પિટલના ડૉ. બહેરામ પાદરીવાલાએ આ સમાચાર ચેનલને જણાવ્યું હતું કે “જે લોકોએ રસી લગાવી છે તેઓમાં રસીની અસર દિવસેને દિવસે ઘટી રહી છે.” તેમણે એમ પણ કહ્યું કે “ફ્રન્ટ લાઇન કામદારો સૌથી વધુ જોખમમાં હોવાથી, તેમને બૂસ્ટર ડોઝ આપવાની જરૂર છે. બૂસ્ટર ડોઝ કેટલો અસરકારક હોઈ શકે તે અંગે હજુ સુધી કોઈએ નક્કર પુરાવા નથી.” પાદરીવાલાએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 80 ટકા વસ્તીને રસી આપવામાં આવી છે. કોરોના ચેપને રોકવામાં રસીકરણ મુખ્ય ભૂમિકા ભજવે છે. રસીકરણથી કોરોના ચેપ અને મૃત્યુદરમાં પણ ભૂતકાળની સરખામણીએ ઘટાડો થયો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં કોરોનાના ત્રીજા મોજાનો સંભવિત ખતરો છે. દરમિયાન, રસીકરણના દરમાં વધારો થવાથી સંભવિત ત્રીજી લહેર બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ  કહ્યું હતું કે “આ સમયે કોરોના સંક્રમણમાં કોઈ વધારો થયો નથી, જે દર્શાવે છે કે રસી હજી પણ કોરોના વાયરસ સામે રક્ષણ આપી રહી છે. તેથી હાલ, રસીના બૂસ્ટર ડોઝ અથવા ત્રીજા ડોઝની જરૂર નથી.” મુંબઈ મહાનગર પાલિકાએ રાજ્ય સરકારને પાઠવેલો પ્રસ્તાવ વિરોધાભાષી છે. હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર આ બાબતે કેવો પ્રતિસાદ આપે છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation