સુધરાઈના ટોચના અધિકારીએ બતાવેલો રસ્તો શહેરના ખાડા પૂરશે?

19 July, 2022 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના ડામરના રોડ પર અનેક ખાડા પડ્યા છે અને વરસાદમાં એનો વધારો થાય છે

બીએમસીના અધિકારીઓને સાથે લઈ ઍડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) પી. વેલરાસુએ રસ્તા પર જઈને ખાડા ચેક કરી એ પૂરવાના ઉકેલ બતાવ્યા હતા.

મુંબઈગરાની વરસાદમાં સૌથી મોટી મુશ્કેલી ગણાતા રસ્તા પરના ખાડા કઈ રીતે ભરવા અને લોકોની હેરાનગતિ દૂર કરવી એના જાતનિરીક્ષણ અને ઉકેલ માટે બીએમસીના ઍડિશનલ કમિશનર (પ્રોજેક્ટ્સ) પી. વેલરાસુ રવિવારે તેમની ટીમ સાથે રસ્તા પર ઊતર્યા હતા એટલું જ નહીં, તેમણે પોતાની ટીમના અધિકારીઓ સાથે વેસ્ટર્ન સબર્બ્સના ૧૨ જેટલા સ્પૉટ પર ખાડાનું નિરીક્ષણ કરી ચર્ચા કરી હતી અને એ ખાડા વહેલી તકે કઈ રીતે પૂરવા એના ઉકેલ પણ કહ્યા હતા.

મુંબઈના ડામરના રોડ પર અનેક ખાડા પડ્યા છે અને વરસાદમાં એનો વધારો થાય છે. વળી વરસાદમાં ગરમ ડામરથી ખાડા ભરવા શક્ય ન હોવાથી એ ખાડા ભરવા કોલ્ડ મિક્સ (ખડી અને સિમેન્ટનું મિક્સચર) ભરવામાં આવતું હતું, પણ ભારે વરસાદમાં એ પણ ધોવાઈ જતું હોવાથી ખાડા કઈ રીતે ભરવા એ એક ચૅલેન્જ છે. પી. વેલરાસુએ અધિકારીઓ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે એ ખાડા ભરવા સિમેન્ટના બ્લૉક્સ વાપરવા, જે જલદીથી પાથરી શકાય. વળી એ મજબૂત પણ રહે, એના પરથી તરત જ વાહનવ્યવહાર પણ ચાલુ કરી શકાય. એ સિવાય તેમણે સૂચન કર્યું કે એમ૬૦-ગ્રેડ સિમેન્ટની પ્રી-કાસ્ટ લાદીઓ કે અલગ-અલગ શેપના બ્લૉક્સ બનાવી એ પણ પાથરી શકાય. જોકે એ ખાડામાં ભર્યા પછી મજબૂતી પકડે ત્યાં સુધી એના પર લોખંડની જાડી પ્લેટ નાખી શકાય જેના કારણે ખાડા ભરાય એ દરમિયાન પણ એના પરથી વાહનોની અવરજવર થઈ શકે. વળી આ રીતે ભરેલા ખાડા ઍટ લીસ્ટ ચારથી પાંચ મહિના ટકી શકે છે એથી આ બાબતે પણ ચકાસણી કરવા અધિકારીઓને કહ્યું છે. એ ઉપરાંત ફ્લાય ઍશના બ્લૉક્સનો પણ ખાડા ભરવા ઉપયોગ કરી શકાય એમ તેમણે જણાવ્યું છે. મૂળમાં તેમણે મુંબઈગરાને ખાડાની હાડમારીમાંથી કઈ રીતે ઉગારી શકાય એના પર કૉન્સન્ટ્રેટ કરી વહેલી તકે એ ખાડા ભરવા અધિકારીઓને જણાવ્યું છે.  

mumbai mumbai news mumbai monsoon brihanmumbai municipal corporation