૧૦૦ કિલો કરતાં વધારે ભીનો કચરો જનરેટ થતો હશે તો એના નિકાલની વ્યવસ્થા જાતે જ કરવી પડશે

03 July, 2017 06:56 AM IST  | 

૧૦૦ કિલો કરતાં વધારે ભીનો કચરો જનરેટ થતો હશે તો એના નિકાલની વ્યવસ્થા જાતે જ કરવી પડશે



શહેરનાં ડમ્પિંગ ગ્રાઉન્ડ્સની ક્ષમતા પરાકાષ્ઠાએ પહોંચી હોવાથી ભીના કચરાના પ્રોસેસિંગનો અમલ શરૂ કરવાનાં પગલાં BMCએ લેવા માંડ્યાં છે. BMCના કમિશનર અજોય મેહતાએ તેમના અધિકારીઓને ૧૦૦ કિલો કરતાં વધારે કચરો જ્યાં ભેગો થતો હોય એવાં કમર્શિયલ કૉમ્પ્લેક્સિસ અને રેસિડેન્શ્યલ સોસાયટીઝને ભીના કચરાના નિકાલની એમની નોખી વ્યવસ્થા કરવાની સૂચના આપવા જણાવી દીધું છે. જો એ લોકો ભીના કચરાના નિકાલની જોગવાઈ નહીં કરે તો એ કચરો BMCના કર્મચારીઓ નહીં લઈ જાય.

BMCના કમિશનરની આ નવી સૂચના અમલમાં આવતાં બીજી ઑક્ટોબરથી રેસ્ટોરાં, ફાઇવસ્ટાર હોટેલો, ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ અને મૂવી થિયેટરો ઉપરાંત મોટા પ્રમાણમાં કચરો ભેગો થતો હોય એવાં રેસિડેન્શ્યલ અને કમર્શિયલ કૉમ્પ્લેક્સિસ પર એ કચરાના નિકાલની નવી જવાબદારી આવશે.

ગઈ કાલે BMCના હેડ્સ ઑફ ધ ડિપાર્ટમેન્ટ્સની મીટિંગમાં અજોય મેહતાએ સૂકા કચરાના નિકાલને પહોંચી વળવાના રસ્તા શોધવા ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું હતું.

BMCના વરિષ્ઠ અધિકારીએ અજોય મેહતાની નવી સૂચનાઓ વિશે જણાવ્યું હતું કે ‘BMCના કમિશનરે અમને ૧૦૦ કિલો કરતાં વધારે કચરો ભેગો થતો હોય એવી સોસાયટીઓ અને કમર્શિયલ કૉમ્પ્લેક્સિસનો કચરો ઉપાડવાનું બંધ કરતાં પહેલાં એમને ભીના કચરાના નિકાલ માટે જરૂરી માર્ગદર્શન અને ટેક્નિકલ સહાય આપવા જણાવ્યું છે. અમે એમને મોકલેલી નોટિસોનો કોઈ જવાબ મળ્યો નથી. અમે એ લોકોને નવી નોટિસો મોકલીશું. જો એ નોટિસોનો પણ કોઈ જવાબ નહીં મળે તો BMCના કમિશનરના આદેશ પ્રમાણે એમને ભીના કચરાની પિક અપ સર્વિસ આપવાનું બંધ કરવામાં આવશે.’