મુંબઈમાં કોરોનાનો વ્યાપ વધે તો આ માણસ પણ જવાબદાર

18 January, 2021 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં કોરોનાનો વ્યાપ વધે તો આ માણસ પણ જવાબદાર

દિનેશ ગાવંડે

મુંબઈ ઍરપોર્ટ પર કાર્યરત મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક સબ-એન્જિનિયરની સહાર પોલીસે ધરપકડ કરી છે. જે બહારગામથી આવતા લોકોને બોગસ હોમ ક્વૉરન્ટીન સર્ટિફિકેટ આપી પૈસા પડાવતો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ કેટલા લોકોને આવા સર્ટિફિકેટ આપ્યાં છે એની તપાસ હાથ ધરાઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર પાલિકા દ્વારા વિદેશથી આવતા દરેક મુસાફરોને ક્વૉરન્ટીન કરવાની પ્રક્રિયા પાલિકાએ કમ્પલ્સરી કરી છે, જેમાં મુંબઈ પાલિકાના કાર્યરત સબ-એન્જિનિયર દિનેશ ગાંવડે બહારગામથી આવતા લોકોને મેન્ડેટરી ક્વૉરન્ટીન થવાની પ્રક્રિયાને સિકીપ કરી તેઓ પાસેથી પૈસા લેતો હોવાના આરોપમાં સહાર પોલીસે ગાંવડેની ધરપકડ કરી છે. તેની સાથે ઍરપોર્ટ પર દુકાન ધરાવતા અને તેના કામમાં સાથ આપતા અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સવારે ઍરપોર્ટ સિક્યૉરિટી સ્ટાફે દિનેશ ગાંવડેની તલાશી લીધી હતી ત્યારે તેની પાસેથી બોગસ હોમ ક્વૉરન્ટીનના સ્ટૅમ્પ, મુંબઈની મોટી હૉસ્પિટલના મોટો ડૉક્ટરોનું લેટરહેડ, ડૉક્ટરોના રબર સ્ટૅમ્પ સાથે દોઢ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તેઓએ તરત સહાર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ધરપકડ બાદ પાલિકાએ પણ તેને નોકરીથી બરતરફ કર્યો છે.

સહાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દિનકર શિલવટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછમાં તે બોગસ હોમ ક્વૉરન્ટીન સર્ટિફિકેટ ૪૦૦૦ રૂપિયામાં આપતો હોવાનું જણાવ્યું છે. એ ઉપરાંત તેણે અત્યાર સુધીમાં કેટલાં બોગસ સર્ટિફિકેટ આપ્યાં છે એની તપાસ ચાલી રહી છે. શુક્રવારે સવારે આવેલી ફ્લાઇટમાં ચાર જણ પાસેથી તેણે પૈસા લઈ છોડ્યા હતા. તેઓની પણ તપાસ હાથ ધરાઈ અને તેઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. તેને ૧૯ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી મળી છે.

મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સિનિયર જનસંપક અધિકારીને આ સંબંધી પૂછતાં તેઓ તરફથી કોઈ પ્રતિસાદ મળી શક્યો નથી.

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation