ખબર હોવા છતાં ક્લબમાં જનાર કોરોનાના દરદી સામે પાલિકાએ કરી પોલીસ ફરિયાદ

01 March, 2021 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખબર હોવા છતાં ક્લબમાં જનાર કોરોનાના દરદી સામે પાલિકાએ કરી પોલીસ ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકાએ ચેમ્બુરમાં રહેતા બાવન વર્ષના કોરોનાના દરદી સામે કોવિડના નિયમો ન પાળવા અને અન્ય લોકો માટે જોખમ ઊભું કરવા બદલ એફઆઇઆર નોંધ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાના ‘એમ’ ઈસ્ટ વૉર્ડના હેલ્થ ડિપાર્ટમેન્ટનાં કર્મચારી વંદના આવલેએ આ સંદર્ભે ગોવંડી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે ‘૧૭ ફેબ્રુઆરીએ ૨૦ વર્ષની યુવતીનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. એથી તેનાં માતા-પિતાને પણ ટેસ્ટ કરાવવા કહેવાયું હતું. યુવતીના બાવન વર્ષના પિતાનો પણ ૧૯ તારીખે પૉઝિટિવ રિપોર્ટ આવતાં તેમને પણ હોમ-ક્વૉરન્ટીન થવાનું કહેવાયું હતું. જોકે તેમણે બન્નેએ હાથ પર હોમ-ક્વૉરન્ટીન કરાયા હોવાનો સ્ટૅમ્પ લગાવવાની ના પાડી દીધી હતી.’

૨૭ ફેબ્રુઆરીએ તેઓ જે સોસોયટીમાં રહે છે એના સેક્રેટરીએ બીએમસીને જાણ કરી હતી કે યુવતીના પિતાને કોરોના થયો હોવા છતાં તેઓ છૂટથી હરે-ફરે છે. એટલું જ નહીં, તેઓ ચેમ્બુર જિમખાના ક્લબમાં પણ જાય છે. એથી ફરિયાદી વંદના આવલે તેમનાં કલીગ નિશા રાઠોડ સાથે તેમના ઘરે ગયાં હતાં. ત્યારે તેમનાં પત્નીએ કહ્યું હતું કે તેઓ ઘરે નથી. તેઓ ક્યાં છે એ બાબતે પણ તેમણે કોઈ માહિતી આપી નહોતી. તેઓ મોબાઇલ પણ ઉપાડી નહોતા રહ્યા. એટલે આખરે તેમની સામે ગોંવડી પોલીસ-સ્ટેશનમાં પોલીસ-ફરિયાદ કરવામાં આવી હતી. આમ તો કોરોનાના નિયમો ન પાળવા બદલ ઘણા લોકો સામે ફરિયાદ થઈ છે, પણ એફઆઇઆર નોંધાઈ હોય એવો આ પહેલો કેસ છે.

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporatio