BMC આજથી ઈ-વેસ્ટ અલગથી ઉપાડશે

06 May, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૧ જ દિવસમાં ૩૦૭ રજિસ્ટ્રેશન થઈ પણ ગયાં હતાં. ખાસ યલો કલરની બૅગ એ માટે ફાળવવામાં આવે છે. એ જ રીતે હવે ઈ-વેસ્ટ પણ સેપરેટલી કલેક્ટ કરવાનું આજથી શરૂ કરવામાં આવશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિ​સિપલ કૉર્પોરેશન (‍BMC)એ ગયા જ મહિનાથી સૅનિટરી અને મેડિકલ વેસ્ટ અલગથી કલેક્ટ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું એમાં સફળતા મળતાં શનિવારથી પેટ-વેસ્ટ (પાળેલાં પ્રાણીઓની ગંદકી) ઉપાડવાનું ચાલુ કર્યું હતું. આજથી BMC ઈ-વેસ્ટ પણ સેપરેટલી ઉપાડવાનું ચાલુ કરી રહી છે. આ સ્પેશ્યલ વેસ્ટ કલેક્શન માટે રજિસ્ટ્રેશન કરીને BMCને જાણ કરવાની હોય છે. ૨૨ એપ્રિલથી મેડિકલ અને સૅનિટરી વેસ્ટની સર્વિસ ચાલુ કરવામાં આવી હતી જેના માટે હાઉસિંગ સોસાયટીઓ, રેસિડેન્શ્યલ કૉમ્પ્લેક્સ, વિમન્સ હૉસ્ટેલ, બ્યુટી પાર્લર અને એજ્યુકેશનલ ઇ​ન્સ્ટિટ્યૂટ્સે પણ નામ રજિસ્ટર કરાવ્યાં હતાં. ૧૧ જ દિવસમાં ૩૦૭ રજિસ્ટ્રેશન થઈ પણ ગયાં હતાં. ખાસ યલો કલરની બૅગ એ માટે ફાળવવામાં આવે છે. એ જ રીતે હવે ઈ-વેસ્ટ પણ સેપરેટલી કલેક્ટ કરવાનું આજથી શરૂ કરવામાં આવશે.    

મુંબઈમાં રોજ ૭૦૦૦થી ૮૦૦૦ ટન કચરો ભેગો થાય છે. એ કચરામાં બધું જ હોય છે. મોટા ભાગનો કચરો ભીનો અને સૂકો કચરો કે પછી પેપર-પ્લા​સ્ટિક એમ અલાયદો પાડેલો નથી હોતો. એથી કચરો વીણનારા લોકો સતત ડ​મ્પિંગ યાર્ડમાં કચરો વીણતા હોય છે. વળી BMCએ પણ કચરો છૂટો પાડવા સમય, એનર્જી અને પૈસા ખર્ચવા પડે છે. એ સિવાય એની સાથે સંકળાયેલા લોકો, કચરો વીણનારાના સ્વાસ્થ્ય પર અને પર્યાવરણ પર પણ એની માઠી અસર પડતી હોય છે. એથી કલેક્શન પૉઇન્ટથી જ જો અલગ-અલગ કચરો કલેક્ટ કરવામાં આવે તો એ બધા માટે ફાયદાકરાક બની રહેશે.

ઈ-વેસ્ટ એટલે બગડી ગયેલા જૂના મોબાઇલ ફોન, ચાર્જર, લૅપટૉપ, કમ્પ્યુટર્સ, બૅટરી, ટેલિવિઝન અને અન્ય નાનાં ઉપકરણો; એ બધું જ જોખમી હોય છે અને એથી એ​નો સાઇન્ટિફિકલી નિકાલ કરવો પડે છે. BMCઆ બધું જ કલેક્ટ કરીને એનો યોગ્ય રીતે નિકાલ કરશે.

brihanmumbai municipal corporation mumbai news mumbai news environment health tips