રહેવાસીઓના જીવન સાથે ચેડાં કરતી નિષ્ક્રિય BMC

26 December, 2018 07:32 PM IST  |  | Rohit Parikh

રહેવાસીઓના જીવન સાથે ચેડાં કરતી નિષ્ક્રિય BMC

સમસ્યા : કચરાના ઢગલામાં લાગેલી આગને બુઝાવી રહેલી ફાયર-બ્રિગેડ

BMC શહેર અને ઉપનગરોના અનેક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો તોડીને પછી મહિનાઓ સુધી કાટમાળ ઉપાડતી નથી. આ કાટમાળમાં લોકો કચરો નાખીને અને કચરાના મોટા ઢગલા કરીને ક્લીન મુંબઈ, ગ્રીન મુંબઈના સૂત્રની તો મજાક કરે જ છે, પણ શહેરમાં દુર્ઘટનાને આમંત્રણ આપે છે. કચરાના ઢગલામાં આગ લાગવી એ એક સામાન્ય ઘટના બની ગઈ હોવા છતાં BMC આ મુદ્દા પર સહેજે ગંભીર નથી. સોમવારે આવો જ આગનો એક બનાવ ઘાટકોપર-અંધેરી લિન્ક રોડના માણેકલાલ એસ્ટેટ વિસ્તારમાં બન્યો હતો.

ઘાટકોપર (વેસ્ટ)ના માણેકલાલ એસ્ટેટ પાસે BMCની ભૂલને કારણે કચરાના એક ઢગલામાં આગ લાગતાં આસપાસના રહેવાસીઓ ફફડી ગયા હતા. જોકે ફાયર-બ્રિગેડે સમયસર આવીને આગ બુઝાવી નાખતા રહેવાસીઓએ રાહત અનુભવી હતી. આટલી મોટી આગની ઘટના પછી પણ BMC હજી જાગ્યું નથી એવી સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરી રહ્યા છે.

માણેકલાલ એસ્ટેટ વિસ્તારમાં એક પબ્લિક ટૉઇલૅટની જગ્યા પર જમીનમાફિયાઓએ કબજો કરીને એક હોટેલ અને પ્રિન્ટિંગ-પ્રેસ બનાવ્યાં હતાં. આ ગેરકાયદે બાંધકામને BMCએ હટાવી દીધા પછી એનો કાટમાળ હટાવવામાં આવ્યો નહોતો એટલે ધીરે-ધીરે એ જગ્યામાં કાટમાળ પર આસપાસના વિસ્તારના લોકો કચરો નાખવા લાગ્યા હતા. એમ આ જગ્યા પર કચરાના ઢગલા જમા થવા લાગ્યા છે.

આ સિવાય આ રોડ પર ગેરકાયદે વાહનો પાર્ક થતાં રહે છે. એ વાહનોની પાછળ અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વોએ અને ચરસીઓએ તેમનો અડ્ડો બનાવી દીધો છે જેને કારણે આ જગ્યા પર આગની નાનીમોટી ઘટનાઓ બનતી રહે છે. જોકે સોમવારે આ જગ્યા પર મોટી આગ લાગી હતી. આસપાસમાં પાર્ક થયેલાં વાહનોને લીધે આજુબાજુના વિસ્તારોના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો.

આ બાબતની માહિતી આપતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સદ્ભાગ્યે ફાયર-બ્રિગેડ સમયસર આવી જતાં આગ કાબૂમાં આવી ગઈ હતી, નહીંતર બહુ મોટી દુર્ઘટના બની જાત. BMCએ તાત્કાલિક કાટમાળ હટાવીને કાર્યવાહી કરવી જોઈએ જેથી લોકો કાટમાળ પર કચરો નાખવાનું બંધ કરે. જોકે આગ પછી પણ BMC હજી જાગી નથી.’

mumbai news