સુધરાઈની ચૂંટણીને કારણે હવે કાંદિવલીની મ્યુનિ. હૉસ્પિ.નું ઉદ્ઘાટન થશે

07 October, 2011 05:28 PM IST  | 

સુધરાઈની ચૂંટણીને કારણે હવે કાંદિવલીની મ્યુનિ. હૉસ્પિ.નું ઉદ્ઘાટન થશે

 

હૉસ્પિટલના બિલ્ડિંગનું કામ હજી સુધી પૂરું થયું નથી, પરંતુ શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને એક મહિનામાં હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરીને ઓપીડી (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) શરૂ કરવો છે.


આ હૉસ્પિટલને કારણે સામાન્યથી સામાન્ય માણસને સારામાં સારી લેટેસ્ટ ટ્રીટમેન્ટ મળી શકશે. આ હૉસ્પિટલમાં કુલ મળીને ૩૦૦ જેટલા બેડની સગવડ હશે. એક વાર જો આ હૉસ્પિટલ શરૂ થઈ ગઈ તો લોકોને સારવાર માટે મોંઘી પ્રાઇવેટ હૉસ્પિટલમાં દોડવું નહીં પડે એવું સુધરાઈનું કહેવું છે. શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ૨૦૦૬માં આ હૉસ્પિટલની જમીનનું ઉદ્ઘાટન કર્યું હતું. એને પાંચ વર્ષ થઈ ગયાં, પરંતુ હજી સુધી બિલ્ડિંગના રીડેવલપમેન્ટનું કામ પૂરું થયું નથી. હવે સુધરાઈને હૉસ્પિટલના ઉદ્ઘાટનની એટલી ઉતાવળ છે કે મેઇન હૉસ્પિટલ બિલ્ડિંગમાં જે કૅફેટેરિયા છે એને ઓપીડીમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યું છે. સુધરાઈના ઇલેક્શન માટે આચારસંહિતા લાગુ પડે એ પહેલાં હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે ગયા અઠવાડિયે સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટી દ્વારા કૅફેટેરિયામાંથી ઓપીડી બનાવવા માટે અમુક રકમ પણ મંજૂર કરવામાં આવી હતી.

સુધરાઈના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘બિલ્ડિંગનું પ્લાસ્ટરનું કામ અને ઇલેક્ટિÿક કામ બાકી છે. આ કામ પૂરું થયા પછી સૂંપર્ણપણે હૉસ્પિટલ ખુલ્લી મૂકી શકાશે. બધું કામ પૂરું થતાં દસ મહિનાનો સમય લાગી શકે એમ છે. બિલ્ડિંગના કૅફેટેરિયાને ઓપીડી તરીકે વાપરવામાં આવશે.’

પ્રોજેક્ટ હવે ૩૦૦ કરોડ રૂપિયાનો

મ્યુનિસિપલ હૉસ્પિટલના રીડેવલપમેન્ટનો આખો પ્રોજેક્ટ હવે કુલ ૩૦૦ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ૧૯૯૭માં બંધ પડેલી શતાબ્દી હૉસ્પિટલને ૨૦૦૦ની સાલમાં ફરીથી શરૂ કરવાનો નર્ણિય લેવામાં આવ્યો હતો અને જૂન ૨૦૦૬માં એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં, પરંતુ આનું કામ ૨૦૦૭માં શરૂ થયું હતું. શરૂઆતમાં ૫૬ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને કામ અઢી વર્ષમાં પૂરું કરવાનું હતું, પણ કામમાં વિલંબ થયો અને પૈસા પણ પૂરા થઈ ગયા હતા એટલે કામ અટકી પડ્યું હતું. ત્યાર પછી ફરી ૪૯ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા, પણ ફન્ડના અભાવને કારણે ફરી કામ અટકી પડ્યું હતું. સ્થાનિક નગરસેવકોના દબાણ પછી સુધરાઈ દ્વારા ૮૦ કરોડ જેટલા રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.

શું હશે હૉસ્પિટલમાં?

ગ્રાઉન્ડ પ્લસ બે માળના બિલ્ડિંગના માળખાને ગ્રાઉન્ડ પ્લસ ચાર માળમાં ફેરવી નાખવામાં આવ્યું છે. પહેલાં અહીં સુધરાઈની ઑફિસ સહિત હૉસ્પિટલ ચલાવવામાં આવતી હતી, પણ હવે સુપર-સ્પેશ્યલિટી દરજ્જાની આ હૉસ્પિટલમાં આઇસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ), એનઆઇસીયુ (નિયોનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ) વગેરે ડિપાર્ટમેન્ટ તો હશે જ; સાથે પરેલની કેઈએમ હૉસ્પિટલ તેમ જ બોરીવલીની ભગવતી હૉસ્પિટલની માફક જ આ હૉસ્પિટલમાં તમામ પ્રકારની લેટેસ્ટ ટેક્નૉલૉજી અને મશીન્સનો ઉપયોગ થશે. બ્રેઇન સહિત તમામ પ્રકારની બીમારીની અત્યાધુનિક સારવાર મળશે.