‘બીએમસીએ પ્રગતિશીલ વિચારવું પડશે. એ તેમનું કામ છે. અમે તેમને દર વખતે નહીં જ કહીએ કે તેમણે શું કરવું જોઈએ`

08 December, 2022 08:27 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ગટરનાં ખુલ્લાં ઢાંકણાં સંબંધિત જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન બૉમ્બે હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચ સુધરાઈ પર વરસી પડી. એણે હવે કોઈ વ્યક્તિ ગટરમાં પડશે તો એના માટે બીએમસીના અધિકારીઓને જવાબદાર ગણાવવાનું કહ્યું

‘બીએમસીએ પ્રગતિશીલ વિચારવું પડશે. એ તેમનું કામ છે. અમે તેમને દર વખતે નહીં જ કહીએ કે તેમણે શું કરવું જોઈએ`

મુંબઈ : મૅનહોલની વધતી જતી સંખ્યા અને ખુલ્લા મૅનહોલ પર ઢાંકણાં લગાવવાને લગતી જનહિતની ઘણીબધી અરજીઓની એકસાથે સુનાવણી કરી રહેલી બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ અભય આહુજાની બેન્ચે બીએમસીને બિરદાવી હતી અને સાથે ચીમકી આપીને સૂચનો પણ કર્યાં હતાં.

મુંબઈ મહાનગરપાલિકાએ મૅનહોલ પરનાં ઢાંકણાં બેસાડવાનું કામ યુદ્ધના સ્તરે ચાલી રહ્યું છે એમ હાઈ કોર્ટને જણાવતાં બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે સારી વાત છે કે તમે ઢાંકણાં બેસાડી રહ્યા છો, પણ જો એ દરમિયાન કોઈ વ્યક્તિ એમાં પડશે તો અમે એના માટે તમને જ જવાબદાર ગણીશું. હાઈ કોર્ટે વધુમાં કહ્યું હતું કે ‘હાલના મૉડર્ન જમાનામાં તમે સાયન્સ અને નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ કેમ નથી કરતા? કોઈ ઢાંકણું હટાવવાની કોશિશ કરે તો તમને તમારા કન્ટ્રોલ રૂમમાં એની તરત જ જાણ થાય એવું સેન્સર બેસાડવાની ગોઠવણ કેમ નથી કરતા? તમારે આ બાબતે કંઈક પ્રગતિશીલ વિચારવું પડશે. એ તમારું કામ છે. અમે તમને દર વખતે નહીં કહીએ કે તમારે શું કરવું જોઈએ.’

કોર્ટે વધુમાં કહ્યું હતું કે ‘તમે વધી રહેલા મૅનહોલ અને એના પર ઢાંકણાંની સમસ્યા માટે કાયમનો ઉકેલ શોધો. તમે ખુલ્લા મૅનહોલ પર ઢાંકણાં બેસાડી રહ્યા છો એ સારી વાત છે, પણ જો એ દરમિયાન કોઈ એમાં પડી ગયું તો એનું શું? મૅનહોલમાં પડી ગયેલી વ્યક્તિ અમારી પાસે આવીને વળતર માગે એ માટે અમે રાહ નહીં જોઈએ. અમે તો તમને (બીએમસીને) જ એ માટે જવાબદાર ગણીશું.’

હાઈ કોર્ટે બીએમસીને સૂચન કરતાં કહ્યું હતું કે ‘મૅનહોલના ઢાંકણાની નીચે લોખંડની ગ્રિલ બેસાડો જેથી ઢાંકણું ખૂલી જાય તો પણ કોઈ એમાં પડે નહીં. ખુલ્લા મૅનહોલની આ સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર ઘડી કાઢવી જોઈએ. આ સમસ્યાનો કાયમી ઉકેલ તમારે જ લાવવાનો છે એટલે શું ઉપાય યોજવો એ તમે જ જણાવો.’

મૅનહોલ હજી ખુલ્લાં શા માટે?

રસ્તા પરના ખાડા અને ખુલ્લા મૅનહોલ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટમાં પીઆ​ઇએલ કરનાર મુલુંડનાં મહિલા ઍડ્વોકેટ રુજુ ઠક્કરે આ સંદર્ભે ગઈ કાલે કોર્ટમાં સિટીઝન રિપોર્ટર્સ દ્વારા મુંબઈનાં અલગ-અલગ સ્થળો જેમ કે પવઈમાં સ્કૂલની સામે અને કાંદિવલીમાં લાંબા સમયથી ખુલ્લા પડી રહેલા મૅનહોલના કવરેજના રિપાર્ટના પેપર સબમિટ કર્યા હતા. કોર્ટે એની પણ નોંધ લીધી હતી. પછી કોર્ટે સુધરાઈને પૂછ્યું હતું કે ‘વર્ષમાં કેટલી વાર તમે મૅનહોલની સફાઈ હાથ ધરો છો? કેટલી વાર એ મૅનહોલનાં ઢાંકણાં ખોલવામાં આવે છે?’ ત્યારે બીએમસી તરફથી કહેવાયું હતું કે દર વર્ષે વરસાદ પહેલાં અમે મૅનહોલની સફાઈ કરીએ છીએ. ત્યારે કોર્ટે કહ્યું હતું કે ‘વરસાદ પહેલાં ખોલવામાં આવેલા મૅનહોલનાં ઢાંકણાં હજી ખુલ્લાં કેમ છે? એ કામ સંદર્ભે કોઈ સ્ટાન્ડર્ડ પ્રો​સીજર છે ખરી? જો હોય તો જણાવો.’

રુજુ ઠક્કરે એવી પણ રજૂઆત કરી હતી કે ‘થોડા દિવસ પહેલાં વસઈ-વિરાર સુધરાઈની હદમાં એક ગાય મૅનહોલમાં પડી ગઈ હતી. એથી વસઈ-વિરાર સુધરાઈને પણ આ બાબતે પગલાં લેવા કોર્ટે જણાવ્યું છે. એ જ રીતે થાણેમાં પણ ખુલ્લાં મૅનહોલની સમસ્યા છે તો એને પણ એ બાબતે જાણ કરીને વહેલી તકે એ બંધ કરવાનું સૂચન કરવું જોઈએ.’ 

mumbai mumbai news