પાલિકા દંડ કરનારાને ફ્રી માસ્ક આપશે

30 November, 2020 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલિકા દંડ કરનારાને ફ્રી માસ્ક આપશે

ફાઈલ તસવીર

મુંબઈમાં કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે પાલિકા દ્વારા માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાયું છે. લોકો આ નિયમનું કડક પાલન કરે એ માટે માસ્ક ન પહેરનારાઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે. અત્યાર સુધીમાં પાલિકાએ માસ્ક ન પહેરનારા ૪.૮૫ લાખ લોકો સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી ૧૦.૦૭ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આમ છતાં, હજી પણ મોટી સંખ્યામાં લોકો માસ્ક ન પહેરતા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ જેમને દંડ કરાય છે તેમને ફ્રીમાં માસ્ક આપવાનો નિર્ણય પાલિકાએ લીધો છે.

માસ્ક પહેર્યું ન હોય એવા લોકોને મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ૨૦૦ રૂપિયાનો દંડ કરવાનો આદેશ આપ્યા બાદ શહેરના તમામ ૨૪ વૉર્ડમાં પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. શનિવાર સુધીમાં આખા શહેરમાં ૪,૮૫,૭૩૭ નાગરિકો સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી ૧૦,૦૭,૮૧,૬૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હોવાનું પાલિકાએ ગઈ કાલે જારી કરેલી પ્રેસનોટમાં જણાવ્યું હતું.

પાલિકાની કાર્યવાહીમાં જણાયું હતું કે જેમને માસ્ક ન પહેરવા બદલ દંડ કરાય છે તેઓ માસ્ક ન હોવાનું બહાનું કાઢીને ઘરની બહાર નીકળી રહ્યા છે. આથી પાલિકાએ શહેરના તમામ લોકો માસ્ક પહેરે એવા આશયથી જેમને દંડ કરાશે તેમને ફ્રી માસ્ક આપવાનો નિર્ણય લેવાયો છે. દંડ પેટે વસૂલેલી રકમની રસીદમાં માસ્ક ફ્રી અપાયું હોવાની નોંધ પણ કરાશે.

coronavirus covid19 brihanmumbai municipal corporation mumbai mumbai news