મુંબઈ બીએમસીની નવેસરથી કરાયેલી વૉર્ડરચના રદ કરાઈ

04 August, 2022 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં ગઈ કાલે રાજ્યની કૅબિનેટની બોલાવવામાં આવેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણી બાબતે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો

ફાઇલ તસવીર

મુંબઈ મહાનગરપાલિકામાં મહાવિકાસ આઘાડી સરકારે કરેલી નવેસરથી વૉર્ડરચના અને સીમાંકનને એકનાથ શિંદે સરકારે ગઈ કાલે રદ કરી નાખ્યાં હતાં. આ ફેરફાર માત્ર શિવસેનાને જ ફાયદો થાય એવી રીતે કરવામાં આવ્યો હોવાથી કૉન્ગ્રેસ અને બીજેપી સહિતના પક્ષોએ એનો વિરોધ કર્યો હતો. એને ધ્યાનમાં રાખીને ગઈ કાલે રાજ્યની કૅબિનેટ બેઠકમાં આ બાબતો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી મુંબઈની આગામી ચૂંટણી ૨૦૧૭ના ૨૨૭ વૉર્ડ પ્રમાણે જ કોઈ પણ પ્રકારના ફેરફાર વિના યોજવામાં આવશે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં ગઈ કાલે રાજ્યની કૅબિનેટની બોલાવવામાં આવેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણી બાબતે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બંને ચૂંટણીઓ ૨૦૧૭ના વૉર્ડ પ્રમાણે યોજવાનો નિર્ણય કૅબિનેટે લીધો હતો, જેથી મહાવિકાસ આઘાડી સરકારે વૉર્ડરચનામાં ફેરફાર કરવાનો લીધેલો નિર્ણય રદ થઈ ગયો છે. અગાઉની સરકારે નિયમોને નેવે મૂકીને વૉર્ડની સંખ્યા વધારી હોવાનો દાવો કરીને નવી સરકારે એ રદ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ બીએમસીના અગાઉના ૨૨૭ વૉર્ડમાં મહાવિકાસ આઘાડી સરકારે ૯ વૉર્ડનો વધારો કરીને કુલ ૨૩૬ વૉર્ડની રચના કરી હતી. આ રચના એવી રીતે જાણી જોઈને કરવામાં આવી છે જેનો ફાયદો માત્ર શિવસેનાને થાય એવો આરોપ કૉન્ગ્રેસ અને બીજેપીએ કર્યો છે. આ બાબતે બે દિવસ પહેલાં કૉન્ગ્રેસના નેતા મિલિંદ દેવરાએ નાયબ મુખ્ય ૈપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લઈને વૉર્ડરચના અન્યાયી હોવાથી એ રદ કરવાની માગણી કરી હતી.

mumbai mumbai news brihanmumbai municipal corporation