બોરીવલીના ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરમાં આગનો કિસ્સો

25 August, 2020 11:17 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

બોરીવલીના ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરમાં આગનો કિસ્સો

બોરીવલીમાં એસ વી રોડ પર આવેલું ઈન્દ્રપ્રસ્થ શૉપિંગ સેંટર.

બોરીવલીમાં આવેલા જાણીતા ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ મૉલના બેઝમેન્ટમાં ૧૧ જુલાઈએ આગ લાગી હતી, જેમાં મોટા ભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને દોઢ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે ત્યારે ફાયરબ્રિગેડે આગ લાગવાના કારણની તપાસ કરીને એનો રિપોર્ટ મુંબઈ મહાનગરપાલિકાના બોરીવલીના ‘આર’ સેન્ટ્રલ વૉર્ડમાં સબમિટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આગની ઘટનાને લીધે માત્ર બેઝમેન્ટ જ નહીં, આખા શૉપિંગ સેન્ટરને બંધ કરી દેવામાં આવ્યું છે. પાલિકા કહે છે કે ફાયરબ્રિગેડે સોંપેલો રિપોર્ટ જોયા બાદ એમાં જે લખ્યું છે એના આધારે સંબંધિતો પાસેથી જવાબ લેવામાં આવ્યા બાદ જ શૉપિંગ સેન્ટર ખોલવા દેવામાં આવશે. શક્ય છે કે આ કામમાં લાંબો સમય નીકળી જશે એટલે દુકાનદારો ૧ સપ્ટેમ્બરથી શૉપિંગ સેન્ટર ખોલવાની આશા રાખી રહ્યા છે અને એમાં તેમણે રાહ જોવી પડશે.

બોરીવલી-વેસ્ટમાં રેલવે-સ્ટેશનને અડીને આવેલા ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ૧૧ જુલાઈની વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ ગ્રાઉન્ડથી બીજા માળ સુધી કેટલાક સ્થળે પહોંચી હોવાથી આખા શૉપિંગ સેન્ટરને બંધ કરી દેવામાં આવ્યું હતું.

આગની ઘટનાને દોઢ મહિનો વીતી ગયો હોવાથી દુકાનો બંધ છે એટલે દુકાનદારો તહેવારના સમયમાં જ પરેશાન છે. ફાયરબ્રિગેડે આગ લાગવાની તપાસ કરીને એનો રિપોર્ટ પાલિકાના બોરીવલીના ‘આર’ સેન્ટ્રલ વૉર્ડમાં સબમિટ કરી દીધો છે. જોકે પાલિકાના અધિકારી પાસે ચાર દિવસથી આ રિપોર્ટ પડ્યો હોવા છતાં તેમને જોવાનો સમય નથી. કહે છે કે પાલિકા ૧૦૦ ફુટથી નાની દુકાનોને લાઇસન્સ નથી આપતી, પણ આ શૉપિંગ સેન્ટરમાં અસંખ્ય આવી નાની-નાની દુકાનો છે એને કેવી રીતે મંજૂરી મળી ગઈ એવો સવાલ થઈ રહ્યો છે. પાલિકા, ફાયરબ્રિગેડ અને પોલીસની એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) વિના દુકાનો ખૂલી ન શકે છતાં ગ્રાઉન્ડ પ્લસ બે માળ ઉપરાંત પાર્કિંગ માટેના બેઝમેન્ટમાં પણ દુકાનો બની ગઈ એ માટે જવાબદાર કોણ?

આગમાં જેમની મોબાઇલની દુકાનને નુકસાન થયું છે એના માલિક ધીરુ પુરોહિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગ્યા બાદ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. ૧ સપ્ટેમ્બરે અમારી દુકાનો ખૂલે એવી શક્યતા છે. આગને કારણે નુકસાન થવાની સાથે તહેવારના સમયે જ દુકાનો બંધ હોવાથી અમારા ધંધાને મોટો ફટકો પડ્યો છે.’

મુંબઈ ફાયરબ્રિગેડના બોરીવલી ડિવિઝનના અસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર-ઑફિસર મનોજ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરમાં લાગેલી આગની તપાસ કરીને એનો રિપોર્ટ અમે ‘આર’ સેન્ટ્રલ વૉર્ડને શુક્રવારે સબમિટ દીધો છે. આગળની કાર્યવાહી તેમણે કરવાની રહે છે.’

બોરીવલીના ‘આર’ સેન્ટ્રલ વૉર્ડનાં અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ભાગ્યશ્રી કાપસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરમાં લાગેલી આગનો રિપોર્ટ ફાયરબ્રિગેડે સબમિટ કર્યો છે. હજી સુધી મેં જોયો નથી એટલે એમાં શું લખ્યું છે એની મને ખબર નથી. રિપોર્ટ જોયા બાદ સંબંધિતોને એની માહિતી આપીને તેમના જવાબ લેવામાં આવશે અને ત્યાર બાદ જ શૉપિંગ સેન્ટરને ખોલવા દેવાશે. ૧૦૦ ફુટનો નિયમ બધે લાગુ નથી પડતો. આ શૉપિંગ સેન્ટરનો ૨૦૦૪માં જે પ્લાન મંજૂર થયો હતો એમાં સ્પેશ્યલ કેસમાં ૨૦૦૮માં રીકન્ફર્મ કરાયો હતો એથી અહીં ૧૦૦ ફુટનો નિયમ લાગુ નથી પડતો.’

mumbai mumbai news borivali brihanmumbai municipal corporation prakash bambhrolia