ગયા પૈસા નાળામાં

16 May, 2022 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુધરાઈના કમિશનરે નક્કી કરેલી ૧૫ મેની સમયમર્યાદા સુધી નાળાંની સફાઈ પૂરી નથી થઈ. વેસ્ટર્ન સબર્બ્સની ગટરોનું તો કામ જ હજી શરૂ કરવામાં નથી આવ્યું

ધારાવીમાં આવેલા નાળાની ચોમાસું નજીક આવ્યા છતાં આવી હાલત છે

બીએમસી એની સફાઈ માટેની સમયમર્યાદા ચૂકી ગયું છે એ જોતાં પૂરની સ્થિતિ અનિવાર્ય જણાઈ રહી છે. શહેરના દક્ષિણ ભાગની ગટરમાંથી રવિવાર સુધી ફક્ત ૩૯ ટકા કચરો જ હટાવાયો હતો. પૂર્વીય સબર્બ્સમાંથી ૬૬ ટકા અને પશ્ચિમી સબર્બ્સમાંથી ૬૦ ટકા કચરો દૂર કરાયો હતો. બીએમસીના કમિશનરે ગાળ કાઢવાનું કામ ૧૫ મે સુધી પૂરું કરવાની સમયમર્યાદા આંકી હતી, પણ કેટલાંય નાળાં અને ગટરોમાંથી કચરો દૂર કરવાનું કામ હજી શરૂ પણ નથી થયું.

બીએમસી મીઠી નદીની સફાઈ સહિત ચોમાસા અગાઉ નદી-નાળાં અને ગટરમાંથી કચરો દૂર કરવા પાછળ ૧૬૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. નાળાંની સફાઈ કરવાના વાર્ષિક લક્ષ્યાંકમાંથી ચોમાસા પહેલાં સફાઈની ૭૫ ટકા કામગીરી કરવાનો, ચોમાસા દરમ્યાન ૧૦ ટકા કામનો અને ૧૦ ટકા કામ ચોમાસા પછી હાથ ધરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ વર્ષે બીએમસીએ નાળાંમાંથી ૪.૬૩ લાખ ટન ગાળ અને મીઠી નદીમાંથી ૨.૭૫ લાખ ટન ગાળ દૂર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. બીએમસીના સત્તાવાર રેકૉર્ડ અનુસાર મીઠી નદીમાંથી કચરો હટાવવાનું ૮૮ ટકા કામ પૂરું થઈ ગયું હતું, પણ અન્ય વિસ્તારોમાં કામ નિર્ધારિત સમય પ્રમાણે નથી થઈ રહ્યું. બીએમસીએ ગટરમાંથી ૭૦ ટકા કચરો દૂર કર્યાનો દાવો કર્યો હતો.

મુંબઈ કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે ‘મીઠી નદી, નાની ગટર અને પશ્ચિમી તથા પૂર્વીય સબર્બ્સનું કામ શિડ્યુલ પ્રમાણે થયું છે. જૂના શહેરમાં કામમાં વિલંબ થયો છે, પણ અમે મેના અંત સુધી, ચોમાસા પહેલાં લક્ષ્યાંક પૂરો કરીશું.’

ખાસ કરીને પશ્ચિમી સબર્બ્સની ગટરોનું સફાઈકામ હજી શરૂ થવાનું બાકી છે. એમાંની મોટા ભાગની ગટરો ગોરેગામ, મલાડ અને કાંદિવલી વિસ્તારમાં છે. 

જ્યાં કામ શરૂ થવાનું બાકી છે એવાં નાળાં

ક્લિવલૅન્ડ બંદર, વરલી
એલઆઇસી બૉક્સ ડ્રેઇન, અંધેરી-વેસ્ટ
નંદાદીપ નાળું, ગોરેગામ
બિંબિસાર નગર, ગોરેગામ
નેસ્કો નાળું, ગોરેગામ
રેડિયમ-પહાડી નાળું, ગોરેગામ
જ્ઞાનેશ્વરનગર નાળું, ગોરેગામ
રામનગર નાળું, મલાડ
પંચોલિયા નાળું, કાંદિવલી
અખિલ નાળું, કાંદિવલી

mumbai mumbai news brihanmumbai municipal corporation