બીએમસીને ફોન ન લાગ્યો અને ઝાડ પડી ગયું

10 May, 2022 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માઝગાવની લાકડા બજારમાં બનેલી આ ઘટનામાં નસીબજોગ કોઈને ઈજા નહોતી થઈ. વેપારીઓને બીજાં વૃક્ષ પડી જવાની ચિંતા સતાવી રહી છે

માઝગાવમાં પડી ગયેલા વૃક્ષને બાજુએ પર કરી રહેલા બીએમસીના અધિકારીઓ.

સાઉથ મુંબઈના માઝગાવની લાકડાં બજારમાં ગઈ કાલે એક વૃક્ષ ધરાશાયી થતાં એક સ્કૂટર અને એક દુકાનના છાપરાને નુકસાન થયું હતું. સૌથી નવાઈની વાત તો એ છે કે આ વૃક્ષ ધરાશાયી થવાની તૈયારીમાં જ હતું એ પહેલાં જ સ્થાનિક વેપારીઓએ મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના કન્ટ્રોલ રૂમમાં વૃક્ષ ગમે ત્યારે પડી શકે છે એવો ફોન કરવાની કોશિશ કરી હતી જે નાકામિયાબ નીવડી હતી અને વૃક્ષ ધરાશાયી થઈ ગયું 
હતું. ભગવાન કૃપાથી કોઈ જીવલેણ ઘટના બની નહોતી. આ વિસ્તારમાં આવાં અનેક વૃક્ષો જોખમી હોવા છતાં ગાર્ડન ડિપાર્ટમેન્ટ આ વૃક્ષો નહીં પડે એવો આત્મવિશ્વાસ દાખવી રહ્યો છે, જેનાથી લાકડાંના વેપારીઓને અચરજ થયું હતું.
એ તો અમારા સદ્નસીબ છે કે વૃક્ષ ધરાશાયી થતાં અમારા કોઈ વેપારી કે કર્મચારીને માર લાગ્યો નહોતો, એમ જણાવતાં ધ બૉમ્બે ટીમ્બર મર્ચન્ટ્સ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ આશિષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અમારા બજારની કાંતિલાલ ઍન્ડ સન્સ દુકાનની બહાર બપોરના સમયે એક વૃક્ષમાં તિરાડ પડવા લાગતાં અમને વૃક્ષ ધરાશાયી થશે એવી શંકા થઈ હતી. પહેલાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને ફોન લાગ્યો નહોતો અને લાગ્યો અને અમારી ફરિયાદ નોંધે એ પહેલાં જ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, જેમાં એક બાઇક અને કાંતિલાલ ઍન્ડ સન્સની દુકાનની છતને નુકસાન પહોંચ્યું હતું. અમારી ફરિયાદ પર પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તરત જ આવ્યા હતા.’
માઝગાવના સંત સાવંત માર્ગ પર ૭૫થી ૧૦૦ વર્ષ જૂનાં વૃક્ષો છે, એ વિશે જાણકારી આપતાં આશિષ મહેતાએ કહ્યું હતું કે ‘આ ઘટના પછી અમારી મહાનગરપાલિકાને વિનંતી છે કે આ બધાં જ વૃક્ષોનું નિરીક્ષણ કરીને વહેલી તકે ટ્રિમિંગ હાથ ધરીને વૃક્ષોને અન્ય દુર્ઘટના બને એ પહેલાં બચાવી લે. ગઈ કાલની ઘટના પછી અમે ગાર્ડન ડિપાર્ટમેન્ટના અધિકારીને અમુક રિસ્કી વૃક્ષો બતાવ્યાં હતાં, પરંતુ તેમણે ઓવર કૉન્ફિડન્સ દર્શાવીને કહ્યું હતું કે આ વૃક્ષો ધરાશાયી થશે નહીં, પણ તેઓ આ બાબત લેખિતમાં આપવા તૈયાર ન થયા. ન તો આ વૃક્ષો પર ઍક્શન લેવા તેઓ તૈયાર થયા. મહાનગરપાલિકાએ જાહેર જીવન અને સંપત્તિને બચાવવાના વ્યાપક હિતમાં વૃક્ષો વિશેના નિયમોની સમીક્ષા કરવાની જરૂર છે. અંતમાં તેમણે તેઓ ટ્રિમિંગ કરીને વૃક્ષોને સમતુલન કરશે એવી ખાતરી આપી છે.’
મેં તેમને ચેતવણી પણ આપી હતી કે અમુક કાયદાકીય અડચણોને કારણે તમે બધા જાહેર જીવન અને સંપત્તિને જોખમમાં મૂકી રહ્યા છો. તેણે મને એ લેખિતમાં આપવા કહ્યું અને તે વૃક્ષની વધુમાં વધુ ટ્રિમિંગ કરવાનો પ્રયાસ કરશે જેથી કરીને એને સંતુલિત કરી શકાય અને એ પડી ન જાય એની ખાતરી કરી શકાય.

Mumbai mumbai news brihanmumbai municipal corporation