જોગેશ્વરીના જૈન સંઘ પર BMCનો સપાટો

21 June, 2017 04:29 AM IST  | 

જોગેશ્વરીના જૈન સંઘ પર BMCનો સપાટો




જોગેશ્વરી (ઈસ્ટ)માં બૅન્ક ઑફ બરોડાની સામેના ગેટ-નંબર ત્રણ પાસે મલ્લીનાથ જૈન દેરાસરને અડીને આવેલા અચલગચ્છ જૈન સંઘના પ્લૉટ પર ૨૦ વર્ષ પૂર્વે બનાવેલાં વિવિધ કાચાં બાંધકામો BMCએ સોમવારે તોડી પાડ્યાં હતાં. K-ઈસ્ટ વૉર્ડના અધિકારીઓની આ ડિમોલિશનની કાર્યવાહી દરમ્યાન ભગવાનની એક દેરીને નુકસાન થતાં જૈન સમાજમાં ફરી આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. આ મામલે ટ્રસ્ટીઓ કાનૂની પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે. 

મામલો શું છે?


અચલગચ્છ જૈન સંઘના પ્લૉટ પર આવેલી દેરીમાંથી ૨૦૧૬ની ૧૪ ઑક્ટોબરે ગુંડાઓ પાંચ મૂર્તિ ઉઠાવી ગયા હતા અને એ મામલે જોગેશ્વરી પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી, પણ હજી સુધી એ મૂર્તિઓ પાછી નથી મળી શકી છતાં K-ઈસ્ટ વૉર્ડે ગેરકાયદે બાંધકામ માટે  અચલગચ્છ જૈન સંઘને નોટિસ આપી હતી. સોમવારે અને એ પહેલાં ૯ મેએ આ પ્લૉટ પરનું બાંધકામ BMCએ તોડી પાડ્યું હતું.

ટ્રસ્ટીઓ શું કહે છે?

અચલગચ્છ જૈન સંઘના ટ્રસ્ટીઓએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ટ્રસ્ટ અને એક કચ્છી બિલ્ડર વચ્ચે પ્લૉટની માલિકી બાબતે વિવાદ ચાલી રહ્યો છે. એ વિશે હાઈ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને કોર્ટે આ પ્લૉટની માલિકી વિશે અમને સ્ટે-ઑર્ડર આપ્યો છે. સમાજની બહેનોને પગભર કરવાના પ્રયાસરૂપે આ પ્લૉટ પર એક ટેમ્પરરી શેડમાં હૅન્ડવર્કનું કામ ચાલતું હતું. જ્યારે એક દેરાસર કમિટીની ઑફિસ, એક સ્ટોરરૂમ તેમ જ ભગવાનની દેરીઓ પર એક ટેમ્પરરી શેડ ઊભો કરવામાં આવ્યો હતો. K-ઈસ્ટ વૉર્ડ તરફથી ટ્રસ્ટને નોટિસ આપવામાં આવી હતી. અમે સંબંધિત અધિકારીને આ વિશે ખાતરી આપી હતી કે અમે આ બાંધકામ હટાવી દઈશું, પરંતુ એ પહેલાં સોમવારે BMCએ આ બાંધકામ પર કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ભગવાનની દેરી પર ઊભો કરવામાં આવેલો કામચલાઉ તાડપત્રીનો શેડ પણ તોડી પાડ્યો હતો. અમે સંબંધિત અધિકારીને વિનંતી કરી હતી કે આ બાંધકામ વગરનો તાડપત્રીનો શેડ ભગવાનની દેરી માટે છે, પણ અમારી વિનંતી ઠુકરાવીને તોડકામની કાર્યવાહી JCB મશીન વડે કરવામાં આવી હતી. એમાં ભગવાનની એક દેરીનો ઉપરનો ભાગ પણ તોડી પાડ્યો હતો એથી જૈન સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ વિશે અમે કાનૂની અભિપ્રાય મેળવીને આગળની રણનીતિ અપનાવીશું.’ 


BMC શું કહે છે?


K-ઈસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા બે દિવસથી અમારા વૉર્ડમાં અનેક ગેરકાયદે બાંધકામો તોડવાની કાર્યવાહી ચાલી રહી છે. ગઈ કાલે અમે જોગેશ્વરી અને ખારના અનેક વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જોગેશ્વરીના અચલગચ્છ જૈન સંઘના વિવાદિત પ્લૉટ પરના તોડકામ વિશે મને કોઈ જાણ નથી. સંબંધિત અધિકારી પાસેથી તોડકામની કાર્યવાહીનો અહેવાલ મગાવ્યા બાદ એ વિશે જણાવી શકીશ. જો કાયદા વિરુદ્ધની કોઈ કામગીરી થઈ હશે તો એ માટે સંબંધિતો સામે હું પગલાં ભરીશ.’