સિનિયર સિટિઝનના રસીકરણ માટે વપરાશે બીએમસીનો ડેટા

08 January, 2021 10:27 AM IST  |  Mumbai | Prajakta Kasale

સિનિયર સિટિઝનના રસીકરણ માટે વપરાશે બીએમસીનો ડેટા

પાલિકાને હજી સુધી વૃદ્ધોની નોંધણી માટે કેન્દ્ર પાસેથી કોઈ માર્ગદર્શિકા મળી નથી.

વરિષ્ઠ નાગરિકો માટે કેન્દ્ર તરફથી કોઈ માર્ગદર્શિકા ઉપલબ્ધ ન હોવાને કારણે બીએમસી ત્રીજા તબક્કાના રસીકરણ કાર્યક્રમ માટે ‘મારો પરિવાર, મારી જવાબદારી’ ઝુંબેશ દરમ્યાન એકઠા કરાયેલા ડેટાનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. પાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રો પ્રથમ તબક્કાના રસીકરણ માટે તૈયાર છે. એ ઉપરાંત બીજા તબક્કા માટે પોલીસ-કર્મચારીઓનાં નામની નોંધણી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
શહેરમાં લગભગ ૩૦ લાખ વરિષ્ઠ નાગરિકો છે. જે લોકોનાં નામની નોંધણી કરવામાં નથી આવી તેઓ વોટર્સ આઇડી કે આધાર કાર્ડની સહાયથી કોવિડ ઍપ પર પોતાનું નામ નોંધાવી શકે છે.
શહેરમાં બીએમસીનાં ત્રણ કેન્દ્રો રાજાવાડી હૉસ્પિટલ, કૂપર હૉસ્પિટલ અને બીકેસી જમ્બો કોવિડ સેન્ટર આજથી શરૂ થનારા રસીકરણના ડ્રાય રન માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. વધુમાં રોજના ૫૦,૦૦૦ જેટલા લોકોનું રસીકરણ કરવા માટે પાલિકાએ વધુ ૭૨ આરોગ્ય કેન્દ્રો ઊભાં કર્યાં છે.
શહેરના ૧.૨૫ લાખ કાર્યકરોને આવા મસમોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવશ્યકતા નથી. આ તમામ સવલતો ત્રીજા તબક્કા માટે ઊભી કરવામાં આવી રહી છે. શહેરમાં મોટી સંખ્યામાં રહેતા વૃદ્ધોને તૈયાર કરવામાં આવેલા સેટઅપમાં રસીકરણ કરવા માટે ઓછામાં ઓછો એક મહિનો લાગશે.
વૃદ્ધોના રસીકરણ માટે અમે કેન્દ્રની માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યા છીએ. દરમ્યાન ‘મારો પરિવાર, મારી જવાબદારી’ ઝુંબેશ હેઠળ એકત્રિત કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં લગભગ ૭૦-૮૦ ટકા વૃદ્ધોને આવરી લેવામાં આવ્યા છે, જેનાથી અમે વૃદ્ધોને રસીકરણની શરૂઆત કરી શકીશું એમ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.

prajakta kasale mumbai mumbai news