BMCની કૂપર હૉસ્પિટલમાં ત્રણ અઠવાડિયાંમાં ૭૫૦ ઉંદર પકડાયા

09 September, 2025 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરોલના શિવાજીનગરમાં રહેતાં ૮૫ વર્ષનાં ઇન્દુમતી કદમને શ્વાસ લેવામાં તકલીફ થવાથી તેમને પહેલાં ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં સારવાર આપવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સંચાલિત વિલે પાર્લેમાં આવેલી ડૉ. આર. એન. કૂપર જનરલ હૉસ્પિટલમાં છેલ્લાં ૩ અઠવાડિયાંમાં ૭૫૦ ઉંદર પકડાયા હોવાનું BMCએ જણાવ્યું છે. ગયા અઠવાડિયે એક મહિલાને ઉંદર કરડી ગયો હતો. એ ઉપરાંત બીજા બે દરદીઓને પણ ઉંદર કરડી ગયો હતો. આ ઘટનાઓને પગલે ઊહાપોહ થતાં દરદીઓની અને તેમના સંબંધીઓની સુરક્ષાના પ્રશ્ને પગલાં લેવામાં આવ્યાં હતાં. ‍BMCએ એના પેસ્ટ કન્ટ્રોલના સ્ટાફને નિયુક્ત કરીને ઉંદરની આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

મરોલના શિવાજીનગરમાં રહેતાં ૮૫ વર્ષનાં ઇન્દુમતી કદમને શ્વાસ લેવામાં તકલીફ થવાથી તેમને પહેલાં ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં સારવાર આપવામાં આવી હતી. એ પછી તેમને ગયા મંગળવારે મહિલાઓના જનરલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. બુધવારે રાતે ઉંદર તેમના જમણા હાથમાં ૪ જગ્યાએ કાતરી ગયો હતો. એ પછી શુક્રવારે ૮૦ વર્ષનાં હુસેનબાનુને ઉંદર કરડ્યો હતો અને શનિવારે પણ એક દરદીને ઉંદર કરડી ગયો હતો.

નાયર હૉસ્પિટલના ડીન ડૉક્ટર શૈલેષ મોહિતેને કૂપર હૉસ્પિટલની હાઇજીન ઍન્ડ ક્લિનલીનેસ ઍડ્વાઇઝરી કમિટીના વડાની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ‘ઉંદરોને ઝડપી લેવા ઘણાંબધાં પગલાં લેવાયાં છે. ઉંદરો જ્યાંથી આવી શકે એવા આઠથી ૧૦ પૉઇન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વૉર્ડમાં પણ એ આવી શકે એવી જગ્યાઓ સીલ કરી દેવામાં આવી છે.’

brihanmumbai municipal corporation vile parle cooper hospital news mumbai mumbai news maharashtra government maharashtra maharashtra news