પાટા પર ઉકરડાથી રેલવેતંત્ર ત્રાહિમામ્

10 February, 2021 12:59 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

પાટા પર ઉકરડાથી રેલવેતંત્ર ત્રાહિમામ્

સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશનની પાસે આવેલી સોસાયટીમાં જઈને ટ્રેક પર કચરો ન ફેંકવાનું કહી રહેલા રેલવે અને સુધરાઈના કર્મચારીઓ

મુંબઈની સબર્બન ટ્રેન-સર્વિસમાં રેલવેલાઇન પર ગંદકીની સમસ્યા મધ્ય રેલવેમાં સાયન-માટુંગા-કિંગ્સ સર્કલથી મસ્જિદ બંદર સુધી વિશેષ જોવા મળે છે. ખાસ કરીને સૅન્ડહર્સ્ટ રોડ અને મસ્જિદ બંદરના ભાગમાં એ સમસ્યા ગંભીર છે. એ બે સ્ટેશનની આસપાસના પાટાની લગોલગનાં પાંચ માળનાં જૂનાં મકાનોમાંથી કચરો સીધો રેલવેલાઇન પર ફેંકવાની લોકોની આદતને કારણે રેલવે પ્રૉપર્ટીમાં ગંદકી થવા ઉપરાંત ટ્રેન-સર્વિસિસની નિયમિતતા અને સલામતી તેમ જ મુસાફરોના આરોગ્ય પર જોખમ રહે છે. સીએસએમટી તરફ જતા પ્રવાસીઓ માટે અસ્વચ્છ માહોલ અને દુર્ગંધ અસહ્ય બને છે.

સૅન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશનના મૅનેજર વિનાયક શેવાળેએ જણાવ્યું હતું કે ‘સામાન્ય રીતે મેગા બ્લૉક્સ સારસંભાળ અને સમારકામ સાથે ટેક્નિકલ સુધારા-વધારાનાં કામો માટે યોજવામાં આવે છે, પરંતુ રેલવેલાઇન પરથી ૧૦૦ ક્યુબિક મીટર જેટલો કચરો હટાવવાનું પણ અમારે ભાગે આવે છે. ચાર-પાંચ માળનાં જૂનાં મકાનો ઉપરાંત ખાસ કરીને હાર્બર લાઇનને અડીને બંધાયેલાં હાઈ રાઇઝ બિલ્ડિંગ્સમાંથી પણ કચરો ફેંકાતો હોય છે. એથી ગયા શનિવાર-રવિવારના ગાળામાં અમે સ્થાનિક નગરસેવક અને વૉર્ડ ઑફિસના સહયોગથી લોકજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. એ અભિયાનમાં અમે સૅન્ડહર્સ્ટ રોડ અને મસ્જિદ બંદરના પાટાની લગોલગનાં મકાનો અને વસાહતોમાં મધ્ય રેલવે અને મહાનગરપાલિકની ટીમો ફરી હતી અને મેગાફોન પર લોકોને રેલવેલાઇન પર કચરો ફેંકીને એને ઉકરડો નહીં બનાવવાની વિનવણી કરી હતી.’

mumbai mumbai news rajendra aklekar