બ્યુટિફિકેશન માટે બીએમસીએ બ્લૅકલિસ્ટેડ કંપનીઓને ફરી કરોડો રૂપિયાનાં ટેન્ડર આપ્યાં

08 December, 2022 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક વૉર્ડમાં ૩૦ કરોડનું કામ આ કંપનીઓને આપવા સામે વિરોધ કરવામાં આવતાં ત્રણ ટેન્ડર રદ કરાયાં : એસીબી દ્વારા તપાસ કરવાની માગણી કરાઈ

બ્યુટિફિકેશન માટે બીએમસીએ બ્લૅકલિસ્ટેડ કંપનીઓને ફરી કરોડો રૂપિયાનાં ટેન્ડર આપ્યાં

મુંબઈ : રસ્તાનાં ડિવાઇડર સરખા કરવા, ટ્રાફિક આઇલૅન્ડ અને પૉપ્યુલર જંક્શનોને પ્રકાશિત કરવા અને ફુટપાથની ગુણવત્તામાં સુધારો કરવા જેવાં બ્યુટિફિકેશનનાં કામો માટે મુંબઈ બીએમસીએ શહેરના તમામ ૨૪ વૉર્ડમાં વૉર્ડદીઠ ૩૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જોકે બ્યુટિફિકેશનનું આ કામ બીએમસી દ્વારા બ્લૅકલિસ્ટેડ કંપનીઓને અથવા જેમની સામે અગાઉ ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ હતી એ કંપનીઓને સોંપવામાં આવ્યું છે. આથી બીજેપીના વિધાનસભ્ય મિહિર કોટેચાએ આ મામલે ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા તપાસ કરવાની માગણી કરી છે. તેમણે કમિશનરને ફરિયાદ કરતાં અત્યાર સુધી ત્રણ વૉર્ડનાં ટેન્ડર રદ કરવામાં આવ્યાં છે.

મુંબઈમાં બ્યુટિફિકેશન કરવા ૨૪ વૉર્ડ માટે ૭૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ૨૫ નવેમ્બરથી બ્યુટિફિકેશનનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. જોકે આ કામ કરવા માટે બીએમસીએ જારી કરેલી ટેન્ડર-પ્રક્રિયામાં ગેરરીતિ, હેરાફેરી અને કાર્ટેલ રચવામાં આવી હોવાના આરોપ થઈ રહ્યા છે. બીજેપીના ભૂતપૂર્વ નગરસેવક વિનોદ મિશ્રા અને મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા સહિતના લોકોએ તપાસ કરવાની માગણી કરાયા બાદ ત્રણ વૉર્ડનાં ટેન્ડર રદ કરવામાં આવ્યાં છે.

મિહિર કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના બ્યુટિફિકેશનના કામમાં બીએમસીના અધિકારીઓએ બદનામ અને પહેલાં ભ્રષ્ટાચારની ફરિયાદ થયા બાદ બ્લૅકલિસ્ટ કરવામાં આવેલી કંપનીઓ હાઇવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ અને સ્કાયવે ઇન્ફ્રા પ્રોજેક્ટને ટેન્ડર ફાળવામાં આવ્યાં છે. ટેન્ડરની પ્રક્રિયામાં મોટા પાયે હેરાફેરી અને કાર્ટેલ રચવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ અમે રજૂઆત કરી હતી. આથી અત્યાર સુધી મલાડના પી-નૉર્થ અને અંધેરીના કે-વેસ્ટ સહિત કુલ ત્રણ વૉર્ડમાં બ્યુટિફિકેશન કરવા માટેનાં ટેન્ડર ફાળવવામાં આવ્યાં હતાં એ રદ કરાવ્યાં છે. અમે મુંબઈના કમિશનરને આ બાબતે લેખિત ફરિયાદ કરીને બીએમસીના જે અધિકારીઓએ આ કંપનીઓને ટેન્ડર ફાળવ્યાં છે તેમની સામે કાર્યવાહી કરવાની સાથે આ આખા મામલાની તપાસ એસીબી દ્વારા કરવામાં આવે એવી માગણી કરી છે.’

ઉલ્લેખનીય છે કે બ્યુટિફિકેશન કરવા માટેનાં ટેન્ડર અપાઈ ગયા બાદ અને કામ શરૂ થઈ ગયા બાદ ટેન્ડરમાં ગેરરીતિ અને હેરાફેરી થઈ હોવાની જાણ થતાં છેલ્લા પંદર દિવસમાં ત્રણ વૉર્ડનાં ટેન્ડર રદ કરવામાં આવ્યાં છે. મલાડના પી-નૉર્થ વૉર્ડમાં ૧૭ કરોડના કામ સામે ૨૪ કરોડ રૂપિયાનું ટેન્ડર જારી કરવામાં આવ્યું હતું. ટેન્ડર મેળવનારી કંપનીઓએ અગાઉ કરતાં ૩૦ ટકા ઓછી કિંમતનાં ટેન્ડર ભર્યાં હોવાનું પણ તપાસમાં જણાઈ આવતાં સંબંધિત બીએમસી અધિકારીએ એ રદ કરીને નવેસરથી ટેન્ડર જારી કરવાનો આદેશ આપ્યો હતો.

mumbai mumbai news