ઘાટકોપરમાં ગેરરીતિઓ કરતાં અને મોડે સુધી ખુલ્લાં રહેતાં જૂસ સેન્ટરો સામે પબ્લિકનો વિજય

01 November, 2012 05:17 AM IST  | 

ઘાટકોપરમાં ગેરરીતિઓ કરતાં અને મોડે સુધી ખુલ્લાં રહેતાં જૂસ સેન્ટરો સામે પબ્લિકનો વિજય



ઘાટકોપરમાં વલ્લભબાગ લેનમાં ઓડિયન અપાર્ટમેન્ટની સામે આવેલાં બે જૂસ સેન્ટર અને ગેરકાયદે બેસતા આશરે પચીસ જેટલા ફેરિયાઓને કારણે થતા ત્રાસના વિરોધમાં ઓડિયન અપાર્ટમેન્ટ અને મહાવીર જ્યોત બિલ્ડિંગના રહેવાસીઓએ કરેલા આંદોલનને પગલે સુધરાઈએ ગઈ કાલે ૐ અગ્રવાલ જૂસ સેન્ટર અને પટેલ જૂસ સેન્ટરે કરેલું વધારાનું બાંધકામ તોડી પાડ્યું હતું. આજે સુધરાઈ આવા બીજા સ્ટૉલધારકોને નોટિસ આપીને એમણે કોઈ આવું બાંધકામ કર્યું હોય તો એને જાતે તોડી પાડવા જણાવશે અને જો તેઓ એ નહીં તોડી પાડે તો સુધરાઈ તોડી પાડશે. આ લડતની આગેવાની વૉર્ડ-નંબર ૧૨૭ (ગારોડિયાનગર)નાં બીજેપીનાં નગરસેવિકા ફાલ્ગુની દવેએ લીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારું સપનું ઘાટકોપરને ફેરિયામુક્ત અને ગ્રીન ઍન્ડ ક્લીન બનાવવાનું છે. છેલ્લા બે મહિનાથી ફેરિયાઓના ત્રાસ સામે અનેક સ્થળે ફરિયાદ કર્યા પછી પહેલી વાર સુધરાઈએ ઍક્શન લીધી છે.’

ઍક્શન લેવાઈ, પણ મોડી

મહાવીર જ્યોત અને ઓડિયન અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં રહેતા લોકોને રોજ રાત્રે દોઢથી બે વાગ્યા સુધી આ સ્ટૉલ અને ગેરકાયદે ફેરિયાઓને કારણે ત્રાસ સહન કરવો પડતો હતો એમ જણાવીને ફાલ્ગુની દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા બે મહિનાથી અમે આ માટે લડત ચલાવી રહ્યા હતા, પણ સુધરાઈ તરફથી જોઈએ એવો સહકાર મળતો નહોતો. ક્યારેક ડિમોલિશન વૅન મળે તો પોલીસ-પ્રોટેક્શન ન મળે અને ક્યારેક એનાથી ઊલટું થાય. પેપરવર્કમાં પણ ઘણો સમય નીકળી ગયો. નવરાત્રિમાં ગરબા રાતે દસ વાગ્યે બંધ થાય, પણ આ સ્ટૉલ બે વાગ્યા સુધી ચાલુ રહે અને લોકોને હેરાનગતિ થાય તથા ટ્રાફિક જૅમ થાય. આથી છેલ્લા ચાર દિવસમાં બધા જ વિભાગો પાસેથી પરવાનગી લીધા પછી ઍક્શનની આશા હતી. મંગળવારે રાત્રે આ બિલ્ડિંગોના ૮૦૦ જેટલા રહેવાસીઓ એકઠા થયા અને નીચે જઈને સ્ટૉલ બંધ કરાવ્યા. પછી ગઈ કાલે ડિમોલિશન માટે કાર્યવાહી થવાની હતી, પણ છેક છેલ્લી ઘડીએ ડિમોલિશન માટે ગાડી મળવાની નથી એમ કહેવામાં આવ્યું એથી મેં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફોન કરીને એની વ્યવસ્થા કરાવી એટલે આ કાર્યવાહી થઈ શકી છે. સ્થાનિક લોકોના સહકાર વગર આવું કાર્ય શક્ય નથી. સારી વાત એ છે કે સુધરાઈએ ઍક્શન લીધી છે, પણ મોડી-મોડી.’

ઓડિયન પાસે જૂસ સ્ટૉલ સિવાય ફ્રૅન્કી, કલિંગડ જૂસ, સૅન્ડવિચ, પાણીપૂરી અને એના જેવા બીજા અનેક સ્ટૉલ લાગે છે. રાત્રે હવે તો નૉન-વેજ પીરસતો એક સ્ટૉલ પણ લાગે છે. આવા સ્ટૉલને કારણે લોકોને વધુ ને વધુ હેરાનગતિ થાય છે. ફાલ્ગુની દવેએ કહ્યું કે ‘ઓડિયન અપાર્ટમેન્ટના હરિભાઈ કંદોઈની દુકાનમાંથી કેટલાક સ્ટૉલવાળાને વીજળીનું કનેક્શન પણ આપવામાં આવ્યું છે. અમે એની સામે પણ ફરિયાદ કરી છે.’

રોજ-રોજ વધી રહી છે તકલીફ


મહાવીર જ્યોત બિલ્ડિંગમાં રહેતા દિલીપ કેનિયાએ કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગની બહાર પાનનો ગલ્લો છે અને એની પાસે રોજ એક ટેમ્પો ઊભો રહે છે. એમાં સૅન્ડવિચવાળો તેનો સામાન રાખે છે. આને કારણે અમે અમારા ગેટમાંથી આવ-જા પણ કરી શકતા નથી. જો સુધરાઈની ગાડી આવે તો સૅન્ડવિચવાળાનો સામાન ટેમ્પોમાં મૂકી દેવામાં આવે છે.’

આ જ બિલ્ડિંગમાં રહેતા ગુણવંત પારેખે કહ્યું હતું કે ‘આશરે ૨૦ વર્ષ પહેલાં શારીરિક રીતે અક્ષમ માણસ માટે ફોન-બૂથ માટે અમારી સોસાયટીએ માનવતાની દૃષ્ટિએ બહાર એક સ્ટૉલ લગાડવા દીધો હતો. પછી આશરે છ ફૂટ જમીન અમે રોડ પહોળો કરવા માટે આપી હતી જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય, પણ અહીં તો એ જગ્યા પર સ્ટૉલ આવી ગયા છે અને ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે.’

આ બિલ્ડિંગમાં રહેતી મહિલાઓએ કહ્યું હતું કે ‘રોજ નીચે વડાં તળવામાં આવે છે એના તેલની વાસથી અમારી સોસાયટીના લોકો બીમાર પડે છે. તેમના ગૅસ-સિલિન્ડરોને કારણે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટનાની શંકા રહે છે. અહીં ખાવા આવતા લોકો અમારાં બિલ્ડિંગો સામે તાકી રહે છે અને ક્યારેક અભદ્ર કમેન્ટ પણ કરતા હોય છે એટલે અમારે બારીઓ બંધ રાખવી પડે છે. ગૅલેરીમાં પણ અમે ઊભા રહી શકતા નથી. રવિવારે તો અમે ફૅમિલી સાથે બહાર જવાનું વિચારી શકતા નથી એટલો ટ્રાફિક અમારા બિલ્ડિંગ નીચે રહેતો હોય છે. બિલ્ડિંગની આસપાસ પાર્ક થયેલી કારમાં લોકો ખાતા હોય છે અને તેમને હટાવવા મુશ્કેલ છે. તેઓ અમારી સામે દાદાગીરી કરતા હોય છે. આ ફેરિયાઓને કારણે સૌથી વધુ ત્રાસ મહાવીર જ્યોત, ઓડિયન અપાર્ટમેન્ટ, અશ્વિન, કૈલાસ કૅસલ અને કૈલાસ મહલ બિલ્ડિંગના લોકોને છે. જે બે જૂસ સ્ટૉલ છે એની ઊંચાઈ પણ વધારી દેવામાં આવી છે અને ઘણું વધારાનું બાંધકામ કરી દીધું છે. તેમના માણસો અહીં જ સ્નાનાદિ વિધિ અમારી સામે કરતા હોય છે. આ સ્ટૉલ રાત્રે દોઢથી બે વાગ્યા સુધી ખુલ્લા રહે છે અને એની સામે કોઈ ઍક્શન લેવાતી નથી. એને કારણે સૌથી વધુ ત્રાસ અમને થાય છે.’

આજે સુધરાઈ આપશે નોટિસ

મુંબઈ સુધરાઈના N વૉર્ડના ઍડિશનલ કમિશનર પ્રમોદ ખેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગઈ કાલે વલ્લભબાગ લેનમાં ઓડિયન પાસે ૐ અગ્રવાલ જૂસ સેન્ટર અને પટેલ જૂસ સેન્ટરે વધારેલા ભાગને તોડી પાડ્યો હતો અને આજે તેમને નોટિસ આપવામાં આવશે. આ સ્ટૉલ પ્રોજેક્ટ અફેક્ટેડ પર્સનના સ્ટૉલ છે કે નહીં એની અને તેમને આપવામાં આવેલી જગ્યા અને ઊંચાઈની લિમિટ વિશે તેમણે સુધરાઈને સાત દિવસમાં જવાબ આપવાનો રહેશે. આખી વલ્લભબાગ લેનમાં આવેલા આવા સ્ટૉલને અમે નોટિસ આપીશું. જેમણે વધારાનું કામ કર્યું છે એ તેમણે જાતે તોડી પાડવું પડશે અથવા સુધરાઈ તોડી પાડશે. તેમને જ્યારે જગ્યા આપવામાં આવી ત્યારે એ કેટલી હતી એની પણ અમે તપાસ કરવાના છીએ.’