મુંબઈમાં બ્લડની અછત ​: પાંચ દિવસ ચાલે એટલો જ સ્ટૉક છે

17 October, 2020 03:33 PM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈમાં બ્લડની અછત ​: પાંચ દિવસ ચાલે એટલો જ સ્ટૉક છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં છેલ્લા કેટલાક મહિનાથી રક્તદાન શિબિર ન થવાથી મુંબઈમાં રક્તનો સગ્રહ માત્ર આવતા ૫ થી ૬ દિવસ ચાલે એટલો રહી ગયો છે. જો તમને તાત્કાલિક રક્તની જરૂર પડે તો સમયસર નહીં મળે અને મળશે તો પણ વધારે રૂપિયા ચૂકવવા પડી શકે. નવરાત્રી સમયે દરેક મંડળોને રક્તદાન શિબિર આયોજન કરી રકત ભેગું કરવાની રાજ્ય રક્ત સ્થાનાંતરણ પરિષદ તરફથી અપીલ કરવામાં આવી છે.
‘રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન છે’ આ વાક્યથી પ્રેરાઈને આપણે રક્તદાન પણ કરીએ છીએ. જોકે છેલ્લા પાંચ મહિનામાં મુંબઈમાં રક્તદાન શિબિરની સંખ્યામાં તીવ્ર ઘટાડો થવાથી તેની અસર હવે મુંબઈમાં પણ જોવા મળી રહી છે. કોરોના કાળમાં લોકોએ રક્તદાન શિબિરનું આયોજન કોઈ સંસ્થા તરફથી કરવામાં આવ્યું નહોતું એ માટે દરેક રક્ત બૅન્કમાં રક્તની કમી સામે આવી રહી છે.
આગામી દિવસોમાં જો લોકો દ્વારા રક્તદાન નહીં કરવામાં આવે તો તે ખૂબ ચિંતાનો વિષય બની રહે એવી સંભાવના જોવા મળી રહી છે. મુંબઈમાં કોરોના પહેલાં દર મહિને બેથી અઢી હજાર રક્તદાન શિબિરો યોજાતી હતી, પરંતુ કોરોના કાળમાં આ જ સંખ્યા એક હજારથી બારસો જેટલી રહી ગઈ છે. એકાએક ૫૦ ટકાનો ઘટાડો થયો છે.
રાજ્ય રક્ત સ્થાનાંતરણ પરિષદના નિયામક ડૉ. અરુણ થોરાત દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે નવરાત્રીના તહેવાર દરમ્યાન આરોગ્ય શિબિર આયોજન કરી રક્તદાન શિબિર રાખવામાં આવે અને લોહીનો પુરવઠો પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે. તેથી રક્તદાન કરવાની જવાબદારી હવે મુંબઈકરોની છે. તો ફરી એકવાર રક્તદાન શિબિર શરૂ કરો.

આ વર્ષે બ્લડ બૅન્કમાં ક્યારે કેટલું બ્લડ
જાન્યુઆરી - ૧,૬૮,૧૪૪ યુનિટ
ફેબ્રુઆરી - ૧,૪૫,૨૮૯ યુનિટ
માર્ચ - ૧,૧૦,૪૩૭ યુનિટ
અેપ્રિલ - ૫૩,૬૩૦ યુનિટ
મે - ૯૧,૧૩૭ યુનિટ
જૂન - ૯૯,૬૫૮ યુનિટ
જુલાઈ - ૬૦,૭૫૦ યુનિટ
ઑગસ્ટ - ૬૨,૦૦૧ યુનિટ
સપ્ટેમ્બર - ૬૩,૮૮૮ યુનિટ

mumbai mumbai news