બીકેસીમાં ડાયમન્ડના વધુ એક વેપારી સાથે છેતરપિંડી

28 February, 2024 07:33 AM IST  |  Mumbai | Mehul Jethva

એક બ્રોકરે ૧૩ લાખ રૂપિયાના હીરા લીધા બાદ તેનો ફોન બંધ આવતો હોવાથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બીકેસીની ડાયમન્ડ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ પાસેથી જાંગડ પાવતી પર માલ લીધા બાદ છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. એટલું જ નહીં, ગયા અઠવાડિયે આશરે ૩૫ કરતાં વધુ વેપારીઓ સાથે એક બ્રોકરે છેતરપિંડી કરી હોવાની ઘટના જૂની નથી થઈ ત્યારે વધુ એક વેપારી સાથે બ્રોકરે ડાયમન્ડનો માલ લીધા બાદ ૧૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બીકેસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જોકે આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

વાલકેશ્વર પર તીન બત્તી નજીકની એક સોસાયટીમાં રહેતા અને ભારત ડાયમન્ડ બુર્સમાં મૌલી ઇમ્પૅક્સ નામે ડાયમન્ડનો વ્યવસાય કરતા ૫૯ વર્ષના શૈલેશ બોરાએ કરેલી ફરિયાદ અનુસાર થોડા વખત પહેલાં તેમની થાણેમાં રહેતા ૩૬ વર્ષના વિરલ શાહ સાથે ઓળખાણ થઈ હતી, જે ભારત ડાયમન્ડ બુર્સમાં ડાયમન્ડ ટ્રેડિંગમાં ફ્રીલાન્સર તરીકે કામ કરતો હતો. તે ફ્રીલાન્સર તરીકે કામ કરતો હોવાથી તેમણે તેની સાથે ભૂતકાળમાં પણ હીરાની ખરીદી અને વેચાણનો વ્યવહાર કર્યો હતો. એથી તેમને વિરલ શાહ પર પૂરો વિશ્વાસ હતો. દરમિયાન વિરલ એક વેપારીને આશરે ૧૩ લાખ રૂપિયાના હીરા આપવા માટે ફરિયાદીની ઑફિસમાંથી લઈ ગયો હતો. ત્યાર બાદ ફરિયાદીએ હીરા બીજી પાર્ટી સુધી પહોંચ્યા કે નહીં એની માહિતી લેવા માટે વિરલને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ આવ્યો હતો. ફરિયાદીએ ભારત ડાયમન્ડ બુર્સ ખાતે વિરલની શોધ કરી હતી, પણ તે મળ્યો નહોતો. અંતે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં આ ઘટનાની ફરિયાદ બીકેસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

બીકેસી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર અમે છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં કોઈની ધરપકડ હજી સુધીમાં કરવામાં આવી નથી.’

mumbai news mumbai bandra mumbai police walkeshwar mumbai crime news