BKC-ચૂનાભઠ્ઠી ફ્લાયઓવર શરૂ છતાં બાઇકર્સ અને રિક્ષાવાળાઓની સમસ્યા યથાવત્

11 November, 2019 03:30 PM IST  |  Mumbai

BKC-ચૂનાભઠ્ઠી ફ્લાયઓવર શરૂ છતાં બાઇકર્સ અને રિક્ષાવાળાઓની સમસ્યા યથાવત્

બીકેસી ફ્લાયઓવર

(મિડ-ડે પ્રતિનિધિ) ઘણા વખતથી જેની રાહ જોવાતી હતી એ બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)-ચૂનાભઠ્ઠી કનેક્ટર બ્રિજ ખુલ્લો મુકાયા છતાં ટૂ-વ્હીલર્સ અને રિક્ષાવાળાઓની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. મહાનગરમાં લોકલ ટ્રેનો પછી સૌથી વધુ વપરાશમાં આવતાં વાહનવ્યવહારનાં સાધનો ટૂ-વ્હીલર્સ અને રિક્ષાને એ ફ્લાયઓવર પર પ્રવેશ પ્રતિબંધિત છે.

ફ્લાયઓનનર 200 કરોડના ખર્ચે તૈયાર થયો છે
200 કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલા ફ્લાયઓવર નીચે મુકાયેલા સાઇનેજમાં ટ્રકો, ટ્રેલર્સ, ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સને એ એલિવેટેડ કૉરિડોરમાં પ્રવેશવાની મનાઈ હોવાનું લખવામાં આવ્યું છે. જોકે બસને પ્રવેશવાની છૂટ અપાઈ છે. ગઈ કાલે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાયા પછી એનસીપીના નેતા અને સ્થાનિક નગરસેવક કપ્તાન મલિકે એ બ્રિજ પરથી મોટરસાઇકલ-રૅલી યોજી હતી. સરકારે બ્રિજના ઉદ્ઘાટનમાં કરેલા વિલંબ તેમ જ ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સના પ્રવેશ પર મૂકેલા પ્રતિબંધના વિરોધમાં બાઇક-રૅલી યોજી હોવાનું કપ્તાન મલિકે જણાવ્યું હતું.


મુખ્યપ્રધાને ટ‍્વિટર પર જાહેરાત કરીને બીકેસી ચુનાભઠ્ઠી ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂક્યો
મુંબઈ (પીટીઆઇ) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) અને ચુનાભઠ્ઠી વચ્ચેનો ફ્લાયઓવર બ્રિજ જનતા માટે ખુલ્લો મુકાયાની જાહેરાત કરી હતી. ૧.૬ કિલોમીટર લાંબા, ૧૭ મીટર પહોળા અને ચાર લેન ધરાવતા આ બ્રિજને કારણે સાયન અને ધારાવી વચ્ચે પ્રવાસના સમયમાં ત્રીસ મિનિટનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવે છે.

આ પણ જુઓ : PHOTOS: હાજી અલી દરગાહની વિન્ટેજ તસવીરો પર કરો એક નજર

નવા ફ્લાયઓવરને કારણે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ઝડપથી પહોંચી શકાશે
નવા ફ્લાયઓવર બ્રિજને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ઝડપથી પહોંચી શકાય એમ હોવાથી વેપાર-ધંધા અને ઑફિસોના નવા મથક એવા બીકેસી ઉપરાંત અન્ય વિસ્તારોમાં ટ્રાફિક જૅમની સમસ્યા હળવી થવાની સંભાવના છે. આ એલિવેટેડ કૉરિડોર બીકેસી, બાબુભાઈ કમ્પાઉન્ડ, સેન્ટ્રલ રેલવે (સાયન પાસે), ડંકન કૉલોની, હાર્બર લાઇન (ચુનાભઠ્ઠી સ્ટેશન) અને સોમૈયા ગ્રાઉન્ડ થઈને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પહોંચે છે.

mumbai news