બીકેસી ડાયમન્ડ માર્કેટ ખૂલી, પણ હાજરી પાંખી

09 June, 2020 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીકેસી ડાયમન્ડ માર્કેટ ખૂલી, પણ હાજરી પાંખી

ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનના સભ્યોનો ૧૦૦૦ લોકોને સમાવતો અસોસિએશનનો હૉલ પણ બુધવારથી ખૂલી જશે

કોરોનાને પગલે લૉકડઉનને કારણે બધું જ બંધ થતાં બીકેસીની ડાયમન્ડ માર્કેટ-ભારત ડાયમન્ડ બુર્સ પણ બંધ હતું, પણ એ પછી માત્ર એક્સપોર્ટર્સોને જ એક્સપોર્ટની છૂટ અપાઈ હતી, પણ હવે તબક્કાવાર લૉકડાઉન ખોલવામાં આવતાં ગઈ કાલે બધા માટે સરકારી શરતોને આધીન રહીને માર્કેટ ખૂલી હતી.

બીડીબીના કમિટી-મેમ્બર કિરીટ ભણસાલીએ કહ્યું હતું કે આજે પહેલા દિવસે માર્કેટ બહુ સ્મૂધ ચાલી હતી. સરકારી નૉમિનેશન મુજબ એકસાથે ભીડ ન થાય એ માટે બીડીબી કમિટી તરફથી વેપારીઓને તેમનાં અને તેમના કર્મચારીઓનાં નામ નોંધવા લિન્ક મોકલી હતી. એ લિન્ક જેમણે ફીલઅપ કરીને પાછી મોકલાવી તેમને બધાને અંદર પ્રવેશ અપાયો હતો. એ ઉપરાંત નાના વેપારીઓ, દલાલભાઈએ માટે એવી સુવિધા કરી કે ૨૫૦૦ ઑફિસોને ૩ જણને બોલાવવાની મંજૂરી આપી એટલે આ નાના વેપારીઓ કે દલાલભાઈઓ ઑફિસવાળાને કહે એટલે એ લોકો ગેસ્ટ ફૉર્મમાં સહી કરી આપે જેથી એ લોકો પણ સહેલાઈથી આવી શકતા હતા. હાલમાં કાફ્ટેરિયાને મંજૂરી મળી નથી.

ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનના સભ્યોનો ૧૦૦૦ લોકોને સમાવતો અસોસિએશનનો હૉલ પણ બુધવારથી ખૂલી જશે. જોકે એમાં આવનાર સભ્યોએ બે જણ વચ્ચે એ મીટરનું સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે.’ માર્કેટમાં હજી પણ કેટલાક દિવસ સુધી કાફેટેરિયા બંધ રહે એવી શક્યતા છે એટલે વેપારી ભાઈઓ નાસ્તો કે ચા-કૉફી કે ઉકાળો ઘરેથી જ લઈ આવે એવું સૂચન કર્યું છે.

બીડીબીમાં પણ ક્યાંય સૅનિટાઇઝરની વ્યવસ્થા નહીં!

રોજનો કરોડોનો વેપાર કરતું બીકેસીની ડાયમન્ડ માર્કેટ-ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી) ગઈ કાલે કોરોનાના લૉકડાઉન બાદ અંદાજે અઢી મહિને ખૂલી હતી. સરકારી નિયમોનું પાલન કરી બધાને એન્ટ્રી આપવામાં આવી હતી, પણ હજારોની સંખ્યામાં લોકો આવ્યા પછી પણ કોરોનાના સંદર્ભે બેઝિક સાવચેતી માટે વપરાતા સૅનિટાઇઝરની વ્યવસ્થા જોવા મળી નહોતી. સામાન્ય રીતે નાની-નાની હાઉસિંગ સોસાયટીમાં પણ વૉચમૅનને સૅનિટાઇઝર આપવામાં આવે છે કે બહારથી આવતી વ્યક્તિના હાથ સૅનિટાઇઝ કરીને જ એન્ટ્રી આપવી, પણ અહીં એવી કોઈ જ વ્યવસ્થા ન હોવાથી વેપારીઓમાં આશ્ચર્ય છવાયું હતું.  

આ બાબતે જ્યારે બીડીબીના પ્રેસિડન્ટ અનુપ મહેતાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘સૅનિટાઇઝરના યુઝ માટે પગેથી ઓપરેટ કરી શકાય એવા સ્ટૅન્ડ અસેમ્બલ થઈ રહ્યા છે. આવતી કાલે દરેક લિફ્ટ પાસે અને પેડેસ્ટ્રીયન ગેટ પાસે એ ગોઠવાઈ જશે.’

coronavirus covid19 lockdown mumbai bandra kurla