વાહ રી સરકાર તેરા ખેલ, સસ્તી દારૂ મેહંગા તેલ

22 November, 2021 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા હોવા છતાં રાજ્ય સરકારે દારૂ પરની એક્સાઇઝ ઘટાડતાં બીજેપીના સુધીર મુનગંટીવારનો આઘાડી સરકારને ટોણો

વાહ રી સરકાર તેરા ખેલ, સસ્તી દારૂ મેહંગા તેલ

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા, પણ રાજ્યની આઘાડી સરકાર એના પર કોઈ નિર્ણય નથી લઈ રહી, જ્યારે હાલમાં જ રાજ્ય સરકારે દારૂ પરની એક્સાઇઝ ઘટાડવાનો નિર્ણય લીધો છે. એ મુદ્દે બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે આઘાડી સરકારને ટોણો માર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘‘વાહ રી સરકાર તેરા ખેલ, સસ્તી દારૂ મેહંગા તેલ’ એવી આ સરકારની નીતિ છે. જનતાના આશીર્વાદથી લોકશાહી માર્ગે સરકાર ચૂંટાઈ આવે છે. સરકારનો દરેક નિર્ણય ખેડૂતો, શોષિતો અને દલિત સમાજને સમર્પિત હોય છે, ગરીબોને અને ખેતમજૂરોને સમર્પિત હોય છે. જોકે આ સરકાર બેઈમાનીના આધારે સ્થપાઈ છે. આ જનતાએ ચૂંટેલી સરકાર નથી.’ 
સુધીર મુનગંટીવારે વધુમાં કહ્યું હતું કે ‘દારૂ સસ્તો કરવાનો નિર્ણય સરકારે લીધો છે. તેમનો આ નિર્ણય હર્બલ વનસ્પતિવાળાઓ અને ક્રૂઝ પાર્ટીવાળાઓને સમર્પિત છે. સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા નથી કરી રહી, પણ દારૂના ભાવ ઓછા કરીને બેવડાઓને ઊર્જા દેવાનું કામ કરી રહી છે.’

Mumbai mumbai news