બહારના ઉમેદવારોને લીધે BJPના કાર્યકર્તાઓમાં ભારેલો અગ્નિ

12 October, 2014 05:18 AM IST  | 

બહારના ઉમેદવારોને લીધે BJPના કાર્યકર્તાઓમાં ભારેલો અગ્નિ




આગામી વિધાનસભાની ચૂંટણીમાં BJPએ ઘણા લોકોની નારાજી વહોરી લીધી છે જેમાં છેલ્લાં ૨૫ વર્ષથી એની સહયોગી પાર્ટી શિવસેના ઉપરાંત BJPના પોતાના કાર્યકર્તાઓ પણ સામેલ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષે ૫૦થી વધુ બહારના ઉમેદવારોને ટિકિટ આપી છે જેમાં કૉન્ગ્રેસ, શિવસેના, MNS અને NCPમાંથી બળવો કરીને BJPમાં જોડાયેલા ઉમેદવારો છે. એટલું જ પૂરતું ન હોય એમ આ બળવાખોર ઉમેદવારો BJPના મૂળ કાયકર્તાઓને પ્રાધાન્ય ન આપીને તેમની જૂની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જ પ્રચાર કરી રહ્યા છે. પરિણામે BJPના મૂળ કાર્યકર્તાઓની અવગણના થતાં તેમણે પાર્ટીના હાઈ કમાન્ડને ફરિયાદ કરી છે.

મુંબઈના મધ્ય ઉપનગરમાં પક્ષે રામ કદમ જેવા પ્ફ્લ્માંથી બળવો કરીને આવેલા ઉમેદવારને ટિકિટ આપી છે જ્યારે કલ્યાણના ગ્રામીણ મુરબાડમાં NCPના કિશન કથોરેને ઉમેદવારી આપી છે. ગ્રામીણ મહારાષ્ટ્રમાં પણ આ જ પરિસ્થિતિ છે. ઉદાહરણ તરીકે ભુસાવળમાં BJPએ હાલના વિધાનસભ્ય NCPના સંજય સાવકારેને ટિકિટ આપી છે. પરિણામે શિવસેના સાથે યુતિ તૂટ્યા બાદ કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ હતો એ ઓસરી ગયો છે અને તેઓ નવરા બેઠા છે.

BJPના મુંબઈ એકમના એક નેતાએ કહ્યું હતું કે ‘ઘણા બળવાખોર ઉમેદવારો પક્ષની ઑફિસ નથી વાપરતા. તેઓ તેમનું કામકાજ તેમની જૂની ઑફિસોમાંથી જ ચલાવે છે. માત્ર બૅનરો બદલાયાં છે. તેમણે તેમની ઑફિસો પર BJPનાં બૅનરો લગાડ્યાં છે. તેઓ તેમના જૂના સાથીદારો સાથે જ મસલત કરે છે અને સ્થાનિક BJPના એકમને ગણકારતા નથી.’

સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક સ્થાનિક નેતાઓએ પાર્ટીના હાઈ કમાન્ડને ફરિયાદ પણ કરી હતી. આ નેતાઓએ હાલમાં મુંબઈમાં રહેલા કેન્દ્રીય નેતાઓને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ કેન્દ્રીય નેતાઓએ કેટલાક ઉમેદવારોને બોલાવીને તેમને BJPના સ્થાનિક એકમને તેમની તમામ બેઠકોમાં સામેલ કરવાની સૂચના આપી હતી એમ એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

જોકે આ વિશે જાણવા મુંબઈ BJPના સ્થાનિક એકમના મુખ્ય પ્રવક્તા નિરંજન શેટ્ટી વારંવાર પ્રયાસો કરવા છતાં નહોતા મળી શક્યા.