BJPએ કેમ લેવો પડ્યો વૉઇસ-વોટ?

13 November, 2014 03:28 AM IST  | 

BJPએ કેમ લેવો પડ્યો વૉઇસ-વોટ?




વરુણ સિંહ


વિધાનસભામાં BJP સરકારે  ધ્વનિમતથી વિશ્વાસનો પ્રસ્તાવ જીતી જતાં શિવસેનાના  નેતાઓએ BJP અને NCPની સાઠગાંઠ પર પ્રહારો કર્યા હતા, ત્યારે શિવસેનાના ટેકેદારોએ સોશ્યલ મીડિયામાં આ મુદ્દે વિડિયો અને મૉર્ફ કરેલાં પોસ્ટરો મૂકીને ગુસ્સો ઠાલવ્યો હતો. 

 શિવસેનાએ આરોપ મૂક્યો છે કે BJPએ ગઈ કાલે જાણી જોઈને વિધાનસભામાં મતવિભાજન થવા ન દીધું. શિવસેનાએ આરોપ મૂક્યો છે કે ‘જો મતવિભાજન થયું હોત તો BJPનો સાચો ચહેરો જોવા મળ્યો હોત, કારણ કે NCPએ કદાચ BJPની તરફેણમાં મતદાન કર્યું હોત અથવા એ મતદાનથી દૂર રહી હોત. આમ NCPએ BJPને મદદ કરી હોત. આ બાબતથી BJP અને NCPની મિલીભગતનો જનતાને ખ્યાલ આવી ગયો હોત.’

શિવસેનાના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અભિજિત અડસૂળે પોતાની હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે ‘BJP અને NCP વચ્ચે અદૃશ્ય સમજૂતી છે. જો ગઈ કાલે મતવિભાજન થયું હોત તો સત્ય સામે આવી ગયું હોત. NCPએ BJPને મત આપ્યો હોત અને સૌને જાણ થઈ ગઈ હોત કે NCP અને BJP વચ્ચે એકબીજાને ટેકો આપવાની છૂપી સમજૂતી છે.’

BJP આ સત્ય બહાર પડવા દેવા ઇચ્છતી નથી તેથી એણે મતવિભાજનને ટાળવા બધા પ્રયાસો કરીને ધ્વનિ-મતનો સહારો લીધો હતો.

સ્પીકરે પણ વિરોધ પક્ષ તરફથી મતવિભાજન માટે થઈ રહેલી બૂમાબૂમને અવગણી હતી. સ્પીકરના ટેકેદારો જણાવે છે કે સ્પીકર બંધારણને અનુસર્યા છે.

BJPના એક વરિષ્ઠ નેતાએ સ્પીકરનો બચાવ કરતાં જણાવ્યું હતું કે જો શિવસેના મતવિભાજન માટે ઉત્સુક હતી તો એણે શા માટે મતવિભાજનનો મુદ્દો વિરોધ પક્ષના નેતાની ચૂંટણી બાદ ઉઠાવ્યો અને ધ્વનિ-મત થયો ત્યાર બાદ તરત જ કેમ ન ઉઠાવ્યો?

દરમ્યાન શિવસેનાના કાયકરોએ સોશ્યલ મીડિયામાં BJP વિરુદ્ધ એક ઝુંબેશ ચલાવી છે જેમાં BJPના નેતાઓના વિડિયો બતાવવામાં આવી રહ્યા છે. એમાં તેઓ ચૂંટણી દરમ્યાન અને ચૂંટણી બાદ અમે NCPનો ટેકો નહીં લઈએ એમ કહેતા જણાયા છે. આમ તેઓ BJPનાં બેવડાં ધોરણની ટીકા કરી રહ્યા છે.

BJPનું લોકપ્રિય પોસ્ટર જેમાં સૂત્ર છે કે ‘છત્રપતિ ચા આશીર્વાદ, ચલા દેઉ મોદીલા સાથ’ને બદલીને મોદીની બાજુમાં શરદ પવારનું ચિત્ર મૂકીને આ સૂત્રને બદલીને ‘શરદ પવાર ચા આશીર્વાદ, ચલા દેઉ મોદીલા સાથ’ એમ દર્શાવતાં પોસ્ટરો સોશ્યલ મિડિયા પર ફરી રહ્યાં છે.

BJPના સોશ્યલ મીડિયા સેલે શિવસેનાના આ હુમલાની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. એવા સંદેશાઓ પણ ફરી રહ્યા છે કે BJPએ NCP સાથે જઈને જનતાનો વિશ્વાસ તોડ્યો છે.

BJPના એક વરિષ્ઠ નેતાએ ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે ‘શિવસેનામાં નિર્ણયશક્તિનો અભાવ છે. સોમવારે શિવસેનાએ વિરોધ પક્ષના નેતા તરીકે નામાંકન ભર્યું ત્યાર બાદ મંગળવારે સવારે એના નેતા ફડણવીસ સાથે શું કામ ચર્ચા કરતા હતા? શિવસેના પહેલાં જેવી રહી નથી.’