મોદીની જીતથી ઉત્સાહિત બીજેપીને સાઉથ મુંબઈ મતવિસ્તાર જોઈએ છે

21 December, 2012 05:33 AM IST  | 

મોદીની જીતથી ઉત્સાહિત બીજેપીને સાઉથ મુંબઈ મતવિસ્તાર જોઈએ છે

બીજેપીના માનવા મુજબ આ આખો મતવિસ્તાર ગુજરાતી-મારવાડીઓ અને વેપારીઓથી ભરેલો છે જે બીજેપીને સમથન આપે છે એટલે શિવસેનાએ તેમને આ મતવિસ્તાર પાછો આપીને એને બદલે તેમણે નૉર્થ-સેન્ટ્રલ મુંબઈની સીટ રાખવી જોઈએ.

એક સમયે બીજેપીનાં જયવંતીબહેન મહેતા જેનું નેતૃત્વ કરતાં હતાં એ સાઉથ મુંબઈનો લોકસભા મતવિસ્તાર છેલ્લી ચૂંટણીમાં ડીલિમિટેશન થવાને લીધે શિવસેનાના ભાગે આવ્યો હતો અને ૨૦૦૯ની ચૂંટણીમાં શિવસેના તરફથી ચૂંટણી લડેલા મોહન રાવલે કૉન્ગ્રેસના મિલિંદ દેવરા સામે હારી ગયા હતા. ત્યારથી બીજેપીના અમુક નેતાઓ આ બેઠક પોતાને પાછી આપવાની માગણી કરી રહ્યા છે.

સીટની અદલાબદલી કરવાની બીજેપીની માગણી સામે શિવસેનાના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘આ બાબત સેનાના હાઈ કમાન્ડ નક્કી કરશે અને પાર્ટીના વર્કરોના સેન્ટિમેન્ટ્સને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવશે. રાતોરાત આના પર કોઈ નિર્ણય નહીં લેવાય એટલું ચોક્કસ છે.’