શિવસેના અને BJPના સંબંધો વધુ વણસી ગયા

09 November, 2014 06:01 AM IST  | 

શિવસેના અને BJPના સંબંધો વધુ વણસી ગયા




શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચેના વણસેલા સંબંધ કેન્દ્રીય કૅબિનેટના વિસ્તરણની પૂર્વસંધ્યાએ ગઈ કાલે વધુ તંગ થયા હતા. શિવસેનાનો કોઈ પ્રતિનિધિ કેન્દ્રમાં પ્રવેશે એવી સંભાવના નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગઈ કાલે મળવામાં નિષ્ફળ રહ્યા બાદ શિવસેનાની નેતાગીરીએ તેમના પ્રતિનિધિ અને કેન્દ્રીય પ્રધાન અનંત ગીતેને મુંબઈ પાછા બોલાવી લીધા હતા. વડા પ્રધાને ગીતેને મળવાનો ઇનકાર કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ અનંત ગીતેને ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. એથી રાષ્ટ્રપતિભવન ખાતે આજે યોજાનારા નવા પ્રધાનોના સોગંદવિધિ સમારંભમાં શિવસેનાનો કોઈ પ્રતિનિધિ ઉપસ્થિત રહે એવી સંભાવના નથી.

શિવસેનાના પ્રતિનિધિઓના મહારાષ્ટ્ર કૅબિનેટમાં સમાવેશ બાબતે છેલ્લી ઘડીએ અડચણ આવી એના પગલે મોડી રાત્રે ઉપરોક્ત પરિસ્થિતિ આકાર પામી હતી એનો સ્પષ્ટ સંકેત મોદીને મળવાનો પ્લાન નિષ્ફળ ગયા પછી અનંત ગીતેએ ખુદ આપ્યો હતો.

મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં શિવસેનાના પ્રતિનિધિઓને સમાવવા બાબતે છેલ્લી ઘડીએ મુશ્કેલી સર્જાઈ હોવાનો સંકેત આપતાં તેમણે કહ્યું હતું કે હું મોદીને મળી શક્યો નથી.

દેવેન્દ્ર ફડણવીસ સરકાર વિધાનસભામાં વિશ્વાસનો મત લે એ પહેલાં શિવસેનાને પ્રધાનમંડળમાં સ્થાન મળવું જોઈએ એવી માગણી ઉદ્ધવ ઠાકરે પહેલાં જ કરી ચૂક્યા છે.