28 May, 2025 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BJPના જિલ્લાધ્યક્ષ દિલીપ જૈન, શિવસેનાના કૅબિનેટ પ્રધાન પ્રતાપ સરનાઈક
મહારાષ્ટ્રની મહાયુતિની સરકારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેના સાથે છે, પણ મીરા-ભાઈંદરમાં આ બન્ને પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. આ ક્ષેત્રમાં બન્ને પક્ષ વચ્ચે કન્ટેનર વૉર ચાલી રહી છે ત્યારે હવે કોલ્ડ વૉર છેડાઈ ગઈ છે. BJPના મીરા-ભાઈંદરના જિલ્લાધ્યક્ષ દિલીપ જૈને ૨૧ મેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખ્યો હતો જેમાં શિવસેનાના વિધાનસભ્ય અને કૅબિનેટ પ્રધાન પ્રતાપ સરનાઈક પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મૂકીને તેઓ મહાયુતિ સરકારની બદનામી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારને સંબોધન કરતા પત્રમાં દિલીપ જૈને દાવો કર્યો હતો કે ‘પ્રતાપ સરનાઈકે વ્યક્તિગત ફાયદો કરવા મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને વર્સોવા ચેના કાજુપાડામાં રસ્તો બનાવ્યો છે. જનપ્રતિનિધિઓને વિકાસનાં કામ કરવા કોઈ ફન્ડ આપવામાં નથી આવી રહ્યું; પણ પરિવહનપ્રધાને તેમની જમીનમાં રસ્તો બનાવવા માટે ૨૯ કરોડ રૂપિયા સુધરાઈમાં મંજૂર કરાવ્યા છે, પોતાની જમીનનો વિકાસ કરવા માટે સેંકડો વૃક્ષો તોડી પાડ્યાં છે, ઇકો-સેન્સિટિવ ઝોનમાં કોઈ પણ પ્રકારની પરવાનગી વિના ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છે, પોતાના પ્રોજેક્ટમાં વધુ ફાયદો થાય એ માટે તેઓ સુધરાઈ અને રાજ્ય સરકારના ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે વૉટરફ્રન્ટ યોજના બનાવી છે.’
BJPના જિલ્લાધ્યક્ષ દિલીપ જૈનનો આ પત્ર સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે અને પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકની બદનામી થઈ રહી હોવાથી તેમણે પોતાના ઍડ્વોકેટ રાજદેવ પાલ દ્વારા ગઈ કાલે દિલીપ જૈનને એક નોટિસ મોકલી હતી. આ નોટિસમાં જણાવ્યું હતું કે ‘દિલીપ જૈને પ્રતાપ સરનાઈક પર કરેલા તમામ આરોપો ખોટા, દ્વેષી, ગેરમાર્ગે દોરનારા અને કૅબિનેટ પ્રધાન પ્રતાપ સરનાઈકની બદનામી કરનારા છે. ૨૧ મેએ મુખ્ય પ્રધાન અને બન્ને નાયબ મુખ્ય પ્રધાનને સંબોધન કરતા લખેલા પત્રથી મહાયુતિ સરકારની પણ બદનામી થઈ છે. આ પત્ર ગુપ્ત રાજકીય ઉદ્દેશથી લખવામાં આવ્યો છે. આ નોટિસ મળ્યાના ૭૨ કલાકની અંદર મરાઠી અને અંગ્રેજી અખબારોમાં તેમ જ જાહેર સ્થળોએ માફી નહીં માગવામાં આવે અને પ્રતાપ સરનાઈકની બદનામી થાય એવું કોઈ પણ જગ્યાએ નિવેદન નહીં આપવાની બાંયધરી નહીં આપો તો તમારા પર બદનક્ષી કરવાનો ૧૦ કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવશે.’
BJPના જિલ્લાધ્યક્ષ દિલીપ જૈન અને શિવસેનાના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈક વચ્ચે લેટરબૉમ્બ અને ૧૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલવામાં આવતાં મીરા-ભાઈંદરમાં બે સત્તાધારી પક્ષો વચ્ચે કોલ્ડ વૉર શરૂ થવાથી જનતા ચોંકી ગઈ છે.