હવે બુલેટ સ્પીડે વધશે બુલેટ ટ્રેનનું કામ

04 July, 2022 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપી-સેનાની સરકાર બુલેટ ટ્રેનના મહારાષ્ટ્રના કામ માટે રૂપિયા આપશે અને ખેડૂતોને જમીન આપવા માટે મનાવશે

પ્રતીકાત્મક તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટનું મહારાષ્ટ્રમાં અટકી ગયેલું કામ બીજેપી-સેનાની નવી સરકારે આગળ વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે આ પ્રોજેક્ટમાં જમીન મેળવવા માટે ખેડૂતોને મનાવવાની સાથે યોજનામાં રાજ્યના ભાગે આપવાનો ખર્ચ મહારાષ્ટ્ર સરકાર આપશે એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સરકારના આવા નિર્ણયથી બુલેટ ટ્રેનનું કામ ફરી ફાસ્ટ ટ્રૅક પર ચડવાની શક્યતા છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જોકે આ પ્રોજેક્ટ માટે જમીન મેળવવામાં મહારાષ્ટ્રમાં મુશ્કેલી આવી રહી છે. પાલઘર જિલ્લામાં અનેક ખેડૂતો આ યોજના માટે જમીન આપવા સામે વિરોધ કરી રહ્યા છે. કેટલાક સમય પહેલાં ૧૨ ગામના લોકોએ પ્રોજેક્ટ માટે જમીન આપવાની તૈયારી દાખવી હતી. જોકે બાદમાં વાત આગળ નહોતી વધી. બીજું, બુલેટ ટ્રેનનાં કુલ ૧૨ સ્ટેશનમાંથી મહારાષ્ટ્રમાં ચાર જ સ્ટેશન આવતાં હોવાનો પણ વિરોધ થઈ રહ્યો છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં ૨૯૮ હેક્ટર જમીન સંપાદિત કરવાની છે, પણ પાલઘરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકારે આ બાબતે ધ્યાન નહોતું આપ્યું. એ સરકાર મુંબઈ-અમદાવાદને બદલે મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનનો આગ્રહ કરી રહી હતી.

કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને દેશમાં સૌથી પહેલાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવાની યોજના હોવાથી આ પ્રોજેક્ટ આગળ વધ્યા બાદ મુંબઈ-નાગપુર પ્રોજેક્ટ પર વિચાર કરવામાં આવશે.’ કેન્દ્ર-રાજ્ય સરકારના મતભેદ વચ્ચે આ પ્રોજેક્ટ અટવાઈ રહ્યો હતો.

હવે મહારાષ્ટ્રમાં પણ બીજેપી-શિવસેનાની સરકાર બની છે ત્યારે વડા પ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રૅક પર લાવવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં, આ પ્રોજેક્ટમાં રાજ્યના ભાગે આવતો ખર્ચ પણ સરકાર આપશે એવો નિર્ણય પણ તેમણે લીધો હોવાનું મનાય છે.

mumbai mumbai news bharatiya janata party shiv sena