ઘાટકોપરમાં બંગલાદેશી ફેરિયાઓ સામે ઍક્શન લેવાની માગણી

31 January, 2026 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિરીટ સોમૈયાએ આધાર કાર્ડ વિના અથવા ખોટી ઓળખ સાથે વ્યવસાય કરતા હૉકર્સ સામે કાર્યવાહી કરવાની કરી ડિમાન્ડ : ટ્રાફિક-રાહદારીઓની સમસ્યા દૂર કરવા પોલીસ તથા BMC, રેલવેના અધિકારીઓ ઉપરાંત તાજેતરમાં ચૂંટાયેલાં કૉર્પોરેટરો સાથે સ્ટેશન પાસેના વિસ્તારની મુલાકાતે

કિરીટ સોમૈયા ઘાટકોપર સ્ટેશનની બહાર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે સાંજે ઘાટકોપર-વેસ્ટમાં સ્ટેશન નજીક ફુટપાથ અને રોડ પર બેસતા ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું હતું. તેમણે પોલીસ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને રેલવે-વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર મુલાકાત યોજી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા ફેરિયાઓના પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવાનો અને સામાન્ય નાગરિકોને થતી મુશ્કેલીઓ દૂર કરવાનો હતો. છેલ્લા ઘણા સમયથી ઘાટકોપર સ્ટેશનની આસપાસ ફુટપાથ અને રસ્તાઓ પર ફેરિયાઓને કારણે ટ્રાફિક અને રાહદારીઓ માટે સમસ્યાઓ ઊભી થઈ રહી હોવાની ફરિયાદો મળતી હતી.

કિરીટ સોમૈયા સાથે તમામ કૉર્પોરેટરો

આ મુલાકાત દરમ્યાન તાજેતરમાં ચૂંટાયેલાં કૉર્પોરેટરો રિતુ તાવડે, રાખી જાધવ અને ધર્મેશ ગિરિ સહિત મોટી સંખ્યામાં BJPના કાર્યકરો હાજર રહ્યા હતા. કિરીટ સોમૈયાએ અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ગેરકાયદે રીતે બેસતા ફેરિયાઓ સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવવામાં આવશે નહીં. તેમણે ખાસ કરીને બંગલાદેશી ફેરિયાઓનો મુદ્દો ઉઠાવીને તેમની ઓળખ અને કાયદેસર સ્થિતિની તપાસ કરવાની માગણી કરી હતી. કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આવાં તત્ત્વો સામે કડક કાર્યવાહી અનિવાર્ય છે. આ ઉપરાંત કિરીટ સોમૈયાએ તમામ ફેરિયાઓનાં આધાર કાર્ડની તપાસ કરવાનો અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. તેમણે આધાર કાર્ડ વિના અથવા ખોટી ઓળખ સાથે વ્યવસાય કરતા ફેરિયાઓ સામે તરત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. મુલાકાત દરમ્યાન અધિકારીઓએ પણ કાર્યવાહીમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. BJPના કાર્યકરોએ પણ સ્થાનિક રહેવાસીઓની સમસ્યાઓ રજૂ કરીને સ્થાયી ઉકેલની માગણી કરી હતી. આ કાર્યવાહીથી ઘાટકોપર-વેસ્ટ વિસ્તારમાં વ્યવસ્થા સુધરશે અને સામાન્ય જનતાને રાહત મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

kirit somaiya ghatkopar bangladesh india maharashtra government mumbai mumbai news bharatiya janata party