09 August, 2023 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કોવિડની મહામારીમાં બીએમસી દ્વારા ૧૫ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં હતાં. મેડિકલ ક્ષેત્રનો અનુભવ ન હોય એવી કંપનીઓને કોવિડ સેન્ટર ઊભાં કરવાનો કૉન્ટ્રૅક્ટ આપીને બીએમસીમાં સત્તાધારી ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા ૭૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કર્યો છે. તેમણે આ સંબંધે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સંબંધિત ડૉક્યુમેન્ટ્સ મંત્રાલયમાં પણ આપ્યા હોવાનું ગઈ કાલે કહ્યું હતું.
બીજેપીના ભૂતપૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કોરોનાના કપરા સમયમાં પણ ઉદ્ધવ ઠાકરે જૂથ અને તેમની સરકારે ભ્રષ્ટાચાર કરીને કમાણી કરી હતી. મુલુંડના કોવિડ સેન્ટરમાં જ તેમણે ૧૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. ઉદ્ધવ ઠાકરે અને તત્કાલીન રાજ્ય સરકારે ભારત સરકારની કંપની રિચર્ડસન ક્રૂડાસની મુલુંડમાં આવેલી જગ્યાનો તાબો લીધો હતો અને સિડકોને અહીં ઇમર્જન્સી કોવિડ હૉસ્પિટલ બાંધવાનું કહ્યું હતું. સિડકોએ ઓક્સ મૅનેજમેન્ટ કન્સલ્ટન્સી નામની કંપનીને ૧,૮૫૦ બેડની હૉસ્પિટલ બાંધવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. આ કંપની એક ઇવેન્ટ મૅનેજમેન્ટની કંપની છે અને એની પાસે મેડિકલ ક્ષેત્રનો કોઈ અનુભવ નથી.’
કિરીટ સોમૈયાએ વધુમાં કહ્યું હતું કે ‘૭ જુલાઈ ૨૦૨૦થી ૩૧ જુલાઈ ૨૦૨૨ દરમ્યાન ૨૫ મહિના આ હૉસ્પિટલ ચાલુ રાખવામાં આવી હતી. એ માટે ઓક્સ મૅનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપનીને ૯૦ કરોડ રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવ્યું હતું અને હૉસ્પિટલ બાંધવા માટે ૧૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આમ ઉદ્ધવ ઠાકરે સરકારે આ એક જ હૉસ્પિટલમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. ભારત સરકારની માલિકીની રિચર્ડસન ક્રૂડાસ કંપનીની જમીન વાપરવા માટે એક પણ રૂપિયાનું પેમેન્ટ નથી કરવામાં આવ્યું એવો આરોપ છે. આ સંબંધે મેં મુંબઈ પોલીસ, ઇન્કમ ટૅક્સ અને ઈડીમાં ફરિયાદ નોંધાવી છે. આવી જ રીતે મુંબઈમાં ૧૫ સેન્ટર ઊભાં કરવા માટે અને એ ચલાવવા માટે ૭૦૦ કરોડ રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવ્યું છે. આ મામલાની પણ તપાસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.’
અંતમાં કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘નવાઈની વાત એ છે કે ઓક્સ મૅનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપનીનું આ પહેલાં ૨૦૦૭થી ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી કુલ ટર્નઓવર ૧૦૦ કરોડ રૂપિયાનું નથી. આવી કંપનીને મુંબઈ બીએમસીએ ૨૦૦ કરોડ રૂપિયા ગિફ્ટ આપી. કોવિડ એટલે કમાણી એ ઉદ્ધવ ઠાકરે સેનાના નેતાઓએ અને બીએમસીના ભ્રષ્ટ અધિકારીઓએ સિદ્ધ કરીને બતાવ્યું છે.’