મુંબઈ મહાનગરપાલિકાના બે ભાગ કરવાનો બીજેપીનો વિરોધ

10 January, 2021 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ મહાનગરપાલિકાના બે ભાગ કરવાનો બીજેપીનો વિરોધ

ફાઈલ તસવીર

મુંબઈ મહાનગરપાલિકાના થઈ રહેલા વિસ્તાર અને સતત વધી રહેલી વસતિને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકામાં એકને બદલે બે કમિશનરની જરૂર હોવાનું મુંબઈના પાલક પ્રધાન અસલમ શેખે કહીને પાલિકાના બે ભાગ કરવાની માગણી કરી છે. શહેરનો વિકાસ થવાની સાથે પ્રશાસનિક કામ સરળતાથી થઈ શકે એ માટે અર્બન ડેવલપમેન્ટ વિભાગે આ બાબતે વિચારવું જોઈએ એમ પાલક પ્રધાને કહ્યું છે.

મલાડના કૉન્ગ્રેસ પક્ષના વિધાનસભ્ય અસલમ શેખે કહ્યું છે કે એક જ કમિશનર હોવાને લીધે શહેરના છેવાડાના વિસ્તારના કામમાં વિલંબ થવાની સાથે કામ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી એકને બદલે બે પાલિકા હોય તો કામ સરળ થઈ શકે.

ગોરેગામ, મલાડ અને કાંદિવલીના કેટલાક ભાગના સમાવેશ ધરાવતા પાલિકાના પી નોર્થ વૉર્ડને વિભાજિત કરવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે ત્યારે જેવી રીતે મુંબઈ શહેર અને પરાં વિસ્તાર માટે બે કલેક્ટર છે એવી જ રીતે પાલિકાના બે કમિશનરના પદ ઊભા કરવાની માગણી અસલમ શેખે કરી છે.

અસલમ શેખની મુંબઈને બે ભાગમાં ડિવાઈડ કરવાની માગણી ખૂબ જ નિંદનીય હોવાથી આની આડમાં કૉન્ગ્રેસનું મુંબઈના ટુકડા કરવાનું અનેક વર્ષનું કાવતરું ફરી સામે આવ્યું હોવાનું મુંબઈ બીજેપીના પ્રભારી અને કાંદિવલી (પૂર્વ)ના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘અસલમ શેખ ૧૧ વર્ષથી વિધાનસભ્ય છે આમ છતાં તેમણે ક્યારેય મલાડના રહેવાસીઓની સમસ્યા પ્રત્યે ધ્યાન આપ્યું નથી. વિધાનસભ્ય બન્યા બાદ મેં મુંબઈ પાલિકાના પી નોર્થ વૉર્ડનું વિભાજન કરીને પી/પૂર્વ અને પી/પશ્ચિમ એમ બે પ્રશાસકીય વિભાગ બનાવવાની માગણી કરી હતી એ મંજૂર કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની જેમ એક સમયે મુંબઈને ત્રણ ભાગમાં ડિવાઈડ કરવાની હિલચાલ શરૂ થઈ હતી ત્યારે શિવસેનાએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. હવે મહાવિકાસ આઘાડીની સરકારના જ એક પ્રધાને આ માગ કરતાં ઉદ્ધવ ઠાકરે અને પક્ષ આ બાબતે શું સ્ટેન્ડ લે છે એના પર સૌની નજર છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation