બંધ વિરુદ્ધ બીજેપીના વિધાનસભ્ય કરવાના છે કોર્ટમાં જાહેર હિતની અરજી

12 October, 2021 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ અરજીમાં અતુલ ભાતખળકર બંધ દરમ્યાન લોકોને થયેલા નુકસાનની ભરપાઈ સત્તાધારી પાર્ટીના નેતાઓ પોતાના ખિસ્સામાંથી કરે એવી માગણી કરવાના છે

ગઈ કાલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બંધ દરમ્યાન ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટાયર બાળીને ટ્રાફિક અવરોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો

રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારે ગઈ કાલે કરાવેલા બંધ વિરુદ્ધ હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરવાનો નિર્ણય બીજેપીએ લીધો છે અને આ યાચિકા તેમના વતી કાંદિવલી-ઈસ્ટના વિધાનસભ્ય અતુલ ભાતખળકર કરવાના છે. આ બંધ દરમ્યાન લોકોને થયેલું નુકસાન સત્તાધારી પક્ષના નેતાઓ પોતાના ખિસ્સામાંથી ચૂકવે એવી માગણી તેઓ કરવાના છે.

આ સંદર્ભે અતુલ ભાતખળકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ પણ રાજકીય પક્ષને બંધનો કૉલ આપવાનો અધિકાર નથી અને હાઈ કોર્ટે આપેલા આ આદેશને સુપ્રીમ કોર્ટે પણ બહાલી આપી છે. એથી ગઈ કાલે બંધને કારણે જે નુકસાન થયું છે એની ભરપાઈ સત્તાધારી પક્ષના નેતાઓ તેમના ખિસ્સામાંથી કરે એ માટે હું બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરવાનો છું.’ 

બંધ દરમ્યાન ગઈ કાલે જ્યારે સત્તાધારી પક્ષના કાર્યકરો કાંદિવલી-ઈસ્ટ અને મલાડ-ઈસ્ટમાં પોલીસ સાથે પહોંચી જઈને દુકાનો બંધ કરાવી રહ્યા હતા ત્યારે અતુલ ભાતખળકર ત્યા પહોંચી ગયા હતા અને બંધના નામે પરાણે બંધ કરાવાતી એ દુકાનો ખુલ્લી રખાવવા માટે ખુલ્લો સપોર્ટ કર્યો હતો. અતુલ ભાતખળકરે કહ્યું હતું કે ‘લખીમપુરની એ કમનસીબ ઘટનાનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરનાર રાજ્ય સરકારની ફજેતી થઈ છે. પોલીસની મદદથી લોકોને ધાકધમકી આપી દુકાનો બંધ કરવાનો પ્રયાસ કરનાર શિવસેનાના એ કૃત્યને અમે તોડી પાડ્યું છે.’  

વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું છે કે સર્વોચ્ચ અદાલત અને મુંબઈ હાઈ કોર્ટે પણ બંધ કરવા પર મનાઈ ફરમાવી છે. મુંબઈ હાઈ કોર્ટે સામે ચાલીને આની દખલ લેવી જોઈએ. જોકે નવાઈની વાત એ છે કે ઘાટકોપરના બૉમ્બ-બ્લાસ્ટના વિરોધમાં એ સમયે શિવસેના-બીજેપીએ બંધ કરાવ્યો હતો જેની ખિલાફ ‘અગ્નિ’ નામની એનજીઓ કોર્ટમાં ગઈ હતી અને લોકોને બંધને લીધે થયેલા નુકસાનની ભરપાઈ કરવાની અરજી કરી હતી, જેનો ૨૦૦૪માં ચુકાદો આવ્યો હતો અને એમાં કોર્ટે શિવસેના અને બીજેપીને ૨૦-૨૦ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. ત્યાર બાદ મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી બંધનું ચલણ દૂર થઈ ગયું હતું.

mumbai mumbai news bharat bandh bharatiya janata party