એક ગુજરાતી નેતાએ હચમચાવી દીધી છે મહા વિકાસ આઘાડીની સરકારને

21 September, 2021 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પછી એક પ્રધાનોના કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રવિવારે કરાડમાં તેમને છ કલાક સુધી અટકમાં રાખવામાં આવ્યા હતા

કિરીટ સોમૈયા

બીજેપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાને અનંત ચતુર્દશીએ કોલ્હાપુરમાં આવેલા કરાડમાં પ્રવેશવા ન દેવાની સાથે તેમને ૬ કલાક બાનમાં રાખવામાં આવ્યા હતા. કિરીટ સોમૈયા મહા વિકાસ આઘાડી સરકારના ત્રણેય પક્ષ શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓએ કરેલા કથિત ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા છેલ્લા કેટલાક સમયથી મેદાને પડ્યા છે. તાજેતરમાં જ તેમણે એનસીપીના કોલ્હાપુરના કાગલ મતદાર ક્ષેત્રના વિધાનસભ્ય અને રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર હસન મુશરીફ સામે ૧૨૭ કરોડ રૂપિયાના કહેવાતા કૌભાંડના ડૉક્યુમેન્ટ્સ તપાસ એજન્સીને આપ્યા હતા. આવી જ રીતે તેમણે એનસીપીના જ ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અનિલ દેશમુખ સામે મોરચો ખોલ્યો હતો. તેમણે શિવસેનાના વિધાનસભ્યો અનિલ પરબ અને પ્રતાપ સરનાઇક સહિતના નેતાઓ અને હવે કૉન્ગ્રેસના બે નેતાઓની પૉલ ખોલવાની ચીમકી ગઈ કાલે ઉચ્ચારી હતી. એક ગુજરાતી નેતાએ ત્રણેય સત્તાધારી પક્ષના નેતાઓને સતત નિશાના પર લઈને સરકારને હચમચાવી નાખી છે. પોતે સરકારના પ્રધાન કે સત્તાધારી પક્ષના નેતાઓના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડી રહ્યા હોવાથી પરેશાન થઈ ગયેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવારે પોતાને ૬ કલાક અટકમાં રાખ્યા હોવાનું કહ્યું હતું.

રવિવારે મોડી રાત્રે મુંબઈથી કોલ્હાપુરમાં આવેલા કરાડ ખાતે તેઓ રેલવે દ્વારા પહોંચ્યા હતા ત્યારે તેમને કરાડ રેલવે સ્ટેશન પર અટકાવવામાં આવ્યા હતા અને સર્કિટ હાઉસમાં લઈ જવાયા હતા. તેમણે બે દિવસ પહેલાં એનસીપીના નેતા અને રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર હસન મુશરીફ સામે ભ્રષ્ટાચારના આરોપ કર્યા હોવાથી તેમની કરાડની મુલાકાતથી કાયદો અને વ્યવસ્થા કથળી શકે છે અને હુમલો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોલ્હાપુર પોલીસના સુપરિન્ટેન્ડન્ટ (એસપી) શૈલેષ બલકવડેએ કિરીટ સોમૈયાને કરાડમાં પ્રવેશ ન કરવા દેવાનો આદેશ આપ્યો હતો. કિરીટ સોમૈયાએ આ ડિટેન્શનની માહિતી ટ્વીટ કરીને આપી હતી.

સવારે ૯ વાગ્યે કિરીટ સોમૈયાએ પત્રકારોને કહ્યું હતું કે ‘બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે પોતાને હસન મુશરીફના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાનું કહ્યું હતું. એનસીપીના આ નેતા અપ્પાસાહેબ નલાવડે સુગર ફૅક્ટરીમાં ૧૦૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના પુરાવા હાથ લાગ્યા છે. આગામી બે દિવસમાં તેમના આવા બીજા કેટલાંક આર્થિક કૌભાંડ હું જાહેર કરીશ. હસન મુશરીફ સામેના ભ્રષ્ટાચારના કેસની વધુ માહિતી મેળવવા માટે કોલ્હાપુર જવાનું મેં જાહેરમાં કહ્યું હતું. મને રોકવામાં આવ્યો હોવાથી એનસીપી તેના ભ્રષ્ટ પ્રધાનોને સંરક્ષણ આપી રહી હોવાનું જણાઈ આવે છે.’

કિરીટ સોમૈયા મુલુંડ (ઈસ્ટ)માં રહેતા હોવાથી સ્થાનિક નવઘર પોલીસે પણ તેમને કોલ્હાપુરના કલેક્ટરના આદેશનું પાલન કરવાની નોટિસ મોકલી હતી. પોલીસની આવી નોટિસ બાબતે કિરીટ સોમૈયાએ ટ્વીટ કર્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સરકારની આ દાદાગીરી છે.

અવાજ દબાવી નહીં શકે

કિરીટ સોમૈયાને ડિટેઇન કરવા બાબતે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે કહ્યું હતું કે ‘સરકારનું આ પગલું તાનાશાહી છે. ઠાકરે સરકાર કિરીટ સોમૈયાનો અવાજ દબાવી નહીં શકે. બીજેપી અને કિરીટ સોમૈયા ભ્રષ્ટાચારના આ કેસોને લૉજિકલ અંત સુધી લઈ જશે. મહા વિકાસ આઘાડી સરકાર ભ્રષ્ટ નેતાઓને ખુલ્લા પાડી રહેલા કિરીટ સોમૈયાના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આગામી બે દિવસમાં કૉન્ગ્રેસના બે નેતાના ભ્રષ્ટાચાર અમે જાહેર કરીશું.’

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે કોઈ પણ કારણ આપ્યા વિના કિરીટ સોમૈયાને ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું કહ્યું હતું.

અમે બીજેપીના કૌભાંડ જાહેર કરીશું : નાના પટોલે

બીજેપીએ મહા વિકાસ આઘાડી સરકારના પ્રધાનોના ભ્રષ્ટાચાર જાહેર કરવાની શરૂઆત કર્યા બાદ સરકારના અનેક પ્રધાનો મુશ્કેલીમાં મુકાયા છે. આથી હવે મહા વિકાસ આઘાડી સરકારે અગાઉની બીજેપીની સરકારના કૌભાંડ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ ગઈ કાલે આવી ચીમકી ઉચ્ચારી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં નાના પટોલેએ દેવેન્દ્ર ફડણવીસની ફાઇલો ખોલવી પડે એવી પરિસ્થિતિ તેમણે ઊભી કરી છે. ચંદ્રકાંત પાટીલે રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ પણ મૂક્યો હતો.

ચંદ્રકાંત પાટીલ માસ્ટરમાઇન્ડ : હસન મુશરીફ

પોતાના પર કિરીટ સોમૈયાએ ૧૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ કરવા બાબતે રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર હસન મુશરીફે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કિરીટ સોમૈયા જે આરોપ કરી રહ્યા છે એની પાછળ બીજેપીનું કાવતરું છે. ચંદ્રકાંત પાટીલનું ભેજું આની પાછળ કામ કરી રહ્યું છે. તેમણે મને બીજેપીમાં આવવાની ઑફર કરી હતી. કોલ્હાપુર જિલ્લામાં બીજેપી ઝીરો છે. બીજેપીમાં ચંદ્રકાંત પાટીલને બદલવાનું નક્કી કરાયું હતું, પરંતુ અમિત શાહની મધ્યસ્થીથી તેઓ બચી ગયા. દેવેન્દ્ર ફડણવીસ કહે છે તે પ્રમાણે તેઓ વર્તન કરી રહ્યા છે.

અમે ડરપોક નથી, ઝૂકીશું નહીં : સંજય રાઉત

કિરીટ સોમૈયાએ પત્રકારો સમક્ષ ઉદ્ધવ ઠાકરેની સરકાર પોતાને રોકવાનો પ્રયાસ કરી રહી હોવાનું કહ્યું હતું. પોતાની પાછળની કાર્યવાહી માટે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર હોવાનું તેમણે જણાવ્યા બાદ શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારની મદદથી મહા વિકાસ આઘાડી સરકારને નિશાના પર લેવાઈ રહી છે. કિરીટ સોમૈયા સામેની ગૃહ મંત્રાલયની કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની હતી. મુખ્ય પ્રધાનના આદેશથી કાર્યવાહી કરવાનું કહેવું બરાબર નથી. અમે ડરપોક નથી અને ઝૂકીશું પણ નહીં.’

હવે ઉદ્ધવ ઠાકરે નિશાના પર

કરાડથી ગઈ કાલે મુંબઈ પહોંચેલા કિરીટ સોમૈયાએ હવે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું કૌભાંડ જાહેર કરવાની જાહેરાત કરી હતી. અલીબાગમાં ઉદ્ધવ ઠાકરેએ પત્ની રશ્મીના નામે ૧૯ બંગલા બનાવવાનો કથિત ગોટાળો કર્યો હોવાનો આરોપ કરતાં તેમણે કહ્યું હતું કે આવતા સોમવારે અલીબાગ જઈને આ બંગલાની મુલાકાત લેશે. એ પછી ગુરુવારે અહમદનગર અને પારનેરમાં સાકરના કારખાનાના કરાયેલા ગોટાળાની માહિતી મેળવવા જશે. તેમણે શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે બીએમસી બૅન્કના ડિપોઝિટરના પંચાવન લાખ પડાવ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. આ ચોરીના રૂપિયા તેમણે પાછા આપવા પડ્યા હોવાનો દાવો તેમણે કર્યો હતો. કિરીટ સોમૈયા ગઈ કાલે મુંબઈ પહોંચ્યા હતા ત્યારે બીજેપીના કાર્યકરોએ તેમને ખભે બેસાડીને જોરદાર સ્વાગત કર્યું હતું.

mumbai mumbai news bharatiya janata party shiv sena nationalist congress party congress kirit somaiya