રોગચાળાને નામે બીજેપી રાજકારણ ખેલે છે: જયંત પાટીલ

22 May, 2020 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોગચાળાને નામે બીજેપી રાજકારણ ખેલે છે: જયંત પાટીલ

ફાઈલ તસવીર

બીજેપીનું મહારાષ્ટ્ર એકમ કોવિડ-19ને નામે બાલિશ રાજકારણ રમતું હોવાનો આરોપ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ જયંત પાટીલે મૂક્યો હતો. બાવીસ મેએ આંદોલનની હાકલને બાલિશ ગણાવતાં જયંત પાટીલે જણાવ્યું હતું કે આવા આંદોલન સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સંમત ન થાય. જયંત પાટીલે જણાવ્યું હતું કે ‘ટેસ્ટિંગ, દરદીઓને પારખવા અને તેમની સારવાર કરવા તેમ જ પરપ્રાંતીય હિજરતી કામગારોના સ્થળાંતરની વ્યવસ્થા જેવા તમામ સંબંધિત કાર્યોમાં મહારાષ્ટ્ર અગ્રેસર છે. અગાઉ કોરોના સામે લડતા ડૉક્ટરો અને નર્સિસ તેમ જ સફાઈ-કામગારો સહિતના આવશ્યક સેવાઓ ચલાવતા કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે થાળીઓ વગાડવા અને મીણબત્તીઓ સળગાવવાની વડા પ્રધાનની હાકલોને વિરોધ પક્ષોએ સમર્થન આપ્યું હતું, પરંતુ રોગચાળાની કટોકટીના સમયમાં બીજેપીનું મહારાષ્ટ્ર એકમ રાજકારણ ખેલે છે.’

કોરોના વાઇરસના રોગચાળાને ડામવાની દિશામાં પ્રયાસોના કેરળના આંકડા જોડે સરખામણી કરીને મહારાષ્ટ્ર કોરોના સામેની લડતમાં નિષ્ફળ ગયું હોવાનો દાવો બીજેપીના રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કર્યો હતો. તેમણે રોગચાળાને કારણે રોજીરોટીથી વંચિતો તથા અન્ય ગરીબો માટે ઇકૉનૉમિક પૅકેજ જાહેર કરવાની માગણી પણ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ કરી હતી. રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારની નિષ્ફળતાના વિરોધમાં બાવીસ મેએ આંદોલન કરવાની હાકલ પણ કરી હતી.

coronavirus covid19 bharatiya janata party nationalist congress party