સંભાજી મહારાજ વિશેના નિવેદન બદલ હવે બીજેપીએ અજિત પવારને ઘેર્યા

03 January, 2023 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાપુરુષોના અપમાનના નામે રાજ્ય સરકારને સાણસામાં લેવાનો પ્રયાસ કરનારા એનસીપીના આ નેતા સામે પુણે, નાશિક અને બારામતી સહિતનાં સ્થળોએ વિરોધ-પ્રદર્શન કરીને માફીની માગણી કરાઈ

ગઈ કાલે નાગપુરમાં બીજેપીના મહિલા મોરચાએ અજિત પવારે કરેલા સ્ટેટમેન્ટની સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. (તસવીર : પીટીઆઈ)

ગયા અઠવાડિયે નાગપુરમાં પૂરા થયેલા રાજ્યના શિયાળુ સત્રમાં છત્રપતિ સંભાજી મહારાજ ધર્મવીર ન હોવાનું નિવેદન વિરોધી પક્ષ નેતા અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે કર્યું હતું. આ જ સત્રમાં અજિત પવારે મહાપુરુષ છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફુલે વગેરેનું અપમાન કરવા બાબતે રાજ્ય સરકારને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અજિત પવારના એ ભાષણનો વિરોધ બીજેપી સહિત છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજે કરી રહ્યા છે. બીજેપી દ્વારા નાશિક, પુણે અને બારામતીમાં આક્રમક રીતે આ મામલે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અજિત પવારને માફી માગવાનું કહ્યું હતું.

કલ્યાણમાં રવિવારે એક કાર્યક્રમ દરમ્યાન બીજેપીના ભૂતપૂર્વ વિધાનભ્ય નરેન્દ્ર પવારે કહ્યું હતું કે ‘અજિત પવારને છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસની જાણ નથી એ દુ:ખદ છે. છત્રપતિનો ઇતિહાસ જાણતી ન હોય એવી વ્યક્તિને મહારાષ્ટ્ર શું, ભારતમાં રહેવાનો અધિકાર નથી. આથી અજિત પવારને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. અજિત પવાર છત્રપતિ સંભાજી મહારાજને ધર્મવીર માનવા તૈયાર નથી. આથી તેમને હિન્દુસ્તાનમાંથી હાંકી કાઢવા જોઈએ.’

બીજેપીના વિધાનસભ્ય નિતેશ રાણેએ પણ અજિત પવાર પર હુમલો કરતાં એક વિડિયોના માધ્યમથી કહ્યું હતું કે ‘ઔરંગઝેબના ધર્માંતરના દબાણને વશ થયા વિના છત્રપતિ સંભાજી મહારાજે બલિદાન આપ્યું હતું. આથી તેઓ ધર્મવીર જ હતા. તેમને ધર્મવીર ન માનનારા અજિત પવાર રાજ્યના વિરોધી પક્ષના નેતાપદે છે. તેમને આ પદ પરથી તાત્કાલિક ધોરણે દૂર કરવાની માગણી હું કરું છું.’

ઉલ્લેખનીય છે કે બીજેપીએ છત્રપતિ સંભાજી મહારાજ વિશેના નિવેદન બદલ અજિત પવારને ઘેરવાનો પ્રયાસ ગઈ કાલે કર્યો હતો અને રાજ્યભરમાં નાશિક, પુણે અને બારામતી સહિત અનેક જગ્યાએ અજિત પવારનો નિષેધ કરવામાં આવ્યો હતો અને તેમને માફી માગવાથી લઈને વિરોધ પક્ષના નેતાપદેથી રાજીનામું આપવાની માગણીઓ કરવામાં આવી હતી.

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેએ ગઈ કાલે કહ્યું હતું કે અજિત પવારનું છત્રપતિ સંભાજી મહારાજ વિશેનું ધર્મવીર ન હોવાનું નિવેદન ખોટું છે. છત્રપતિ શિવાજી મહારાજે હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી. સંભાજી મહારાજ, રાજારામ મહારાજ અને તારારાણીસાહેબે હિંદવી સ્વરાજનું રક્ષણ કર્યું હતું. સંભાજી મહારાજ સ્વરાજ્ય રક્ષક હતા જ સાથે-સાથે તેઓ ધર્મવીર પણ હતા. તેમણે ધર્મનું પણ રક્ષણ કર્યું હતું એ કોઈ નકારી ન શકે.

સુશાતસિંહના પોસ્ટમૉર્ટમનો વિડિયો જાહેર કરાયો
બૉલીવુડના સદ્ગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી, પણ તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કૂપર હૉસ્પિટલના શબગૃહના કર્મચારી રૂપકુમાર શાહે તાજેતરમાં કર્યો હતો. આથી અઢી વર્ષ પહેલાંના અભિનેતાના મૃત્યુના કેસમાં નવો વળાંક આવ્યો છે. જોકે કૂપર હૉસ્પિટલે કહ્યું છે કે રૂપકુમાર શાહ નામનો કોઈ માણસ શબગૃહમાં કામ જ નથી કરતો. બીજેપીના નેતા નિતેશ રાણેએ ગઈ કાલે આ સંબંધે એક વિડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં સુશાંતસિંહ રાજપૂતના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવે છે એમાં રૂપકુમાર શાહ દેખાય છે. નિતેશ રાણેએ ટ્વીટમાં લખ્યું હતું કે ‘સ્પષ્ટ છે કે રૂપકુમાર શાહ સુશાંતસિંહના મૃતદેહને લઈ રહ્યા છે. પોસ્ટમૉર્ટમ કરાયું હતું ત્યારે તેઓ ત્યાં હાજર હતા. આખરે સત્ય બહાર આવી ગયું. અબ બેબી પેન્ગ્વિન દૂર નહીં હૈ... હવે ન્યાય થઈને જ રહેશે.’

mumbai mumbai news bharatiya janata party ajit pawar shivaji maharaj