સવા કિલોમીટર લાંબા તિરંગા સાથે ૧૦,૦૦૦ લોકો યાત્રામાં જોડાશે

11 August, 2022 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીએ ૧૪ ઑગસ્ટે સવારે મુંબઈમાં સવા કિલોમીટર લાંબા વન પીસ તિરંગાની યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્તે દેશભરના લોકોને ત્રણ દિવસ ઘરોમાં આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને ફરકાવવાનું આહવાન કર્યું છે ત્યારે બીજેપીએ ૧૪ ઑગસ્ટે સવારે મુંબઈમાં સવા કિલોમીટર લાંબા વન પીસ તિરંગાની યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે, જેમાં ૧૦,૦૦૦ લોકો જોડાવાની શક્યતા છે.

આ તિરંગા યાત્રા વિશે ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ નિમિત્તે લોકોમાં રાષ્ટ્રભાવના જાગે અને મુંબઈગરાઓ આ મહત્ત્વના દિવસની ઉજવણી સાથે મળીને કરી શકે એ માટે બીજેપી દ્વારા મલાડમાં આવેલી નટરાજ માર્કેટથી બોરીવલીમાં સ્ટેશન સામે એસ. વી. રોડ પર મૂકવામાં આવેલા સ્વામી વિવેકાનંદના પૂતળા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ ઑગસ્ટે સવારે આયોજિત આ યાત્રામાં ૧૦,૦૦૦થી વધુ લોકો જોડાવાની શક્યતા છે અને ૧૦૦૦ મહિલા તિરંગાના રંગનાં મૅચિંગવાળાં કપડાં પહેરશે. સવારના ૭.૩૦ વાગ્યે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં આ યાત્રા નીકળશે અને બોરીવલીમાં પૂરી થશે.’

mumbai mumbai news independence day