સિડકો અને મ્હાડા જેવી સરકારી સંસ્થાઓમાંથી કૉન્ગ્રેસ-NCPના માણસોની હકાલપટ્ટી કરી BJPએ

19 November, 2014 05:45 AM IST  | 

સિડકો અને મ્હાડા જેવી સરકારી સંસ્થાઓમાંથી કૉન્ગ્રેસ-NCPના માણસોની હકાલપટ્ટી કરી BJPએ


રવિકિરણ દેશમુખ

ત્વરિત અમલમાં આવનારા આ નિર્ણયને લીધે રાજ્ય સરકારનાં નિગમો જેવાં કે  સિડકો, મ્હાડા વગેરેને નવા ચૅરમૅન અને સભ્યો મળશે. સિડકોના હાલના વડા NCPના પ્રમોદ હિન્દુરાવ છે,  મ્હાડાના વડા કૉન્ગ્રેસના યુસુફ અબ્રાહની છે અને મુંબઈ રિપેર ઍન્ડ રીકન્સ્ટ્રક્શન બોર્ડના વડા NCPના પ્રસાદ લાડ છે.

BJP સરકારના એક વરિષ્ઠ નેતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આ મુદે લાંબી ચર્ચા થઈ હતી અને રાજ્યના વહીવટી તંત્રને કૉન્ગ્રેસ સરકારે કરેલી તમામ નિમણૂકો રદ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જોકે આ વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચાર દિવસ અગાઉ નિર્દેશ આપ્યો હતો, પરંતુ રાજ્યનું વહીવટી તંત્ર આ આદેશનો અમલ કરવામાં નિષ્ફળ નીવડ્યું હતું.

 રાજ્યમાં ઓછામાં ઓછાં આવાં ૭૦ કૉપોર્રેશનો, બોર્ડો, જાહેર ઉપક્રમો છે જેમાં રાજકીય વ્યક્તિઓ અથવા તેમની નજીકની વ્યક્તિઓની ચૅરમૅન તરીકે નિમણૂક થાય છે.

સિડકો અને મ્હાડાની જેમ પદ ગુમાવનારા લોકોમાં રાજ્ય યોજના પંચના વડા રામરાજે નાઈક નિમ્બાળકર હતા, તેઓ NCPના છે. આ ઉપરાંત રાજ્યના મહિલા આયોગના વડાં કૉન્ગ્રેસનાં સુશીબહેન શાહ, કૉન્ગ્રેસનાં પ્રભા ઓઝા જે મહિલા આર્થિક વિકાસ મંડળનાં વડાં છે, સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉપોર્રેશનના વડા NCPના જીવન ગોરેએ પણ પદ ગુમાવ્યાં છે.

BJPના નેતાએ જણાવ્યું હતું કે આ પદ ખાલી થતાં યોગ્ય ઉમેદવારો માટે પાર્ટીને લિસ્ટ મોકલવામાં આવશે અને પાર્ટીએ મંજૂર કરેલાં નામોની આ પદો માટે ભલામણ કરવામાં આવશે.