૨૦ ડિસેમ્બરે નાગપુર વિધાનસભા પર અહિંસાપ્રેમીઓનો વિરાટ મોરચો

29 November, 2012 05:54 AM IST  | 

૨૦ ડિસેમ્બરે નાગપુર વિધાનસભા પર અહિંસાપ્રેમીઓનો વિરાટ મોરચો



ગૌવંશ વધ પ્રતિબંધ બિલને કાયદાનું સ્વરૂપ મળે અને મુંબઈના દેવનાર કતલખાનામાંથી થતી માંસની નિકાસ પર પ્રતિબંધ મુકાય એવી માગણી સાથે ૫ નવેમ્બરે ઑપેરાહાઉસથી આઝાદ મેદાન સુધી વિરાટ મહારૅલી લઈ ગયા બાદ એના આયોજકો રાષ્ટ્રીય ગૌવંશ રક્ષા સમિતિ અને અખિલ ભારત કૃષિ ગૌસેવા સંઘે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને નિવેદન આપીને આ કાયદો ૩૦ નવેમ્બર સુધી બનાવવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. જોકે આ બાબતે કોઈ હિલચાલ ન થતાં ગૌવંશ રક્ષા સમિતિ અને અખિલ ભારત કૃષિ ગૌસેવા સંઘે હવે વારકરી સંપ્રદાયના અહિંસાપ્રેમીઓ સાથે મળીને ૨૦ ડિસેમ્બરે નાગપુર વિધાનસભા પર વિરોટ મોરચો લઈ જવાનું આયોજન કર્યું છે. મુંબઈ સહિત વિદર્ભના તમામ જૈન  સંઘોમાં એ માટે લેટર મોકલાવવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત મહારાષ્ટ્રના દરેક તાલુકાઓમાંથી વારકરીઓ આ મોરચામાં જોડાવાના છે એને કારણે આ મોરચો વિરાટ સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા દર્શાવાઈ રહી છે.

આ બાબતે વધુ માહિતી આપતાં ભારત કૃષિ ગૌસેવા સંઘના અધ્યક્ષ કેસરીચંદ મહેતાએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની વિધાનસભા અને વિધાન પરિષદમાં ગૌવંશ વધ પ્રતિબંધ બિલ ૧૯૯૫માં પાસ થયું હતું. જોકે ૧૯૫૮માં સુપ્રીમ કોર્ટના પાંચ જજે આપેલા એક ચુકાદાને આધારે ૧૬ વર્ષની ઉપરનાં પશુઓની કતલ કરવા દેવાનું એમાં કહેવાયું હતું એથી એનો કાયદો બનતો અટકી ગયો હતો. એ પછી ૨૦૦૫માં આ ચુકાદાને સુપ્રીમ કોર્ટની જ સાત જજોની બેન્ચે ઊલટાવ્યો હતો અને કહ્યું હતું કે પશુઓ તેમના છેલ્લા શ્વાસ સુધી માનવો માટે ઉપયોગી હોવાથી તેમની કતલ રોકવામાં આવે. સુધરાઈના કાયદામાં પણ માંસની નિકાસ પર પ્રતિબંધ છે. હવે કાયદો બનાવવા માટે ફક્ત રાષ્ટ્રપતિની સહી લેવાની જ બાકી છે. જો રાષ્ટ્રપતિ સહી કરી દે તો આ બિલને કાયદાનું સ્વરૂપ મળશે અને એ અમલમાં મૂકવામાં આવે, પણ રાજ્ય સરકાર એ માટે બહુ જ ઉદાસીન હોવાનું જણાતાં આ મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે.’

રેલીમાં કોણ-કોણ સામેલ થવાનું છે એ વિશે જણાવતાં કેસરીચંદ મહેતાએ કહ્યું હતું કે ‘હાલ નાગપુરમાં વિહાર કરી રહેલા શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહરાજસાહેબ અને તેમના હજારો અનુયાયીઓ આ રૅલીમાં ભાગ લેવાના છે. શનિવારે પંઢરપુરમાં તેમના અહિંસાપ્રેમી વારકરી સમાજના ચારે ફિરકાના ધર્મગુરુઓની એક સભા મળી હતી અને તેમણે પણ આ મુદ્દે વિરોધ નોંધાવવા વિધાનસભા પર નીકળનારા મોરચામાં સામેલ થવાનું નક્કી કર્યું છે. આથી આખા મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં વારકરીઓ આ મોરચામાં જોડાઈને મોરચાને વિરાટ સ્વરૂપ આપે એવી શક્યતા છે.’