સોશ્યલ મીડિયા દ્વારા શિવસેના પર BJPનો જોરદાર પ્રહાર

05 October, 2014 04:58 AM IST  | 

સોશ્યલ મીડિયા દ્વારા શિવસેના પર BJPનો જોરદાર પ્રહાર




મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો ધુઆંધાર પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે સત્તાધારી કૉન્ગ્રેસ-NCPની દોઢ દાયકાની યુતિ અને શિવસેના-BJPની અઢી દાયકાની મહાયુતિ તૂટ્યા બાદ MNS સહિત પંચકોણીય ચૂંટણીજંગમાં એકબીજાની પોલ બરાબર જાણતી પાર્ટીઓ પોતાની જૂની સાથીદાર પાર્ટીઓ પર આક્ષેપો અને પ્રશ્નોનો તોપમારો બોલાવી રહી છે. શિવસેના અને BJP વચ્ચેનો આ જંગ તો એ હદે પહોંચ્યો છે કે BJPના કહેવાતા વેલ-વિશર્સે રવિવારથી વૉટ્સઍપ, ફેસબુક અને ટ્વિટર સહિત સોશ્યલ મીડિયાના માધ્યમથી શિવસેના સામે રીતસરની વૉર છેડી દીધી છે જેમાં શિવસેનાના હિન્દુત્વ સહિતના દાવાઓને પડકારવામાં આવ્યા છે. BJPએ સોશ્યલ મીડિયા દ્વારા શિવસેના સામે જે પ્રશ્નો કર્યા છે એમાંના ટૉપ ફાઇવ પ્રશ્નો આ મુજબ છે.

૧. કેન્દ્રમાં કૉન્ગ્રેસના વડપણ હેઠળની મનમોહન સિંહ સરકાર ભગવા આતંકવાદની વાતો કરી રહી હતી ત્યારે ૨૦૧૨માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવસેનાએ કૉન્ગ્રેસના ઉમેદવાર પ્રણવ મુખરજીને કેમ સપોર્ટ કર્યો હતો?

૨.એ પહેલાં શિવસેનાએ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પ્રતિભા પાટીલને સપોર્ટ કર્યો હતો જેણે ઍન્ટિ-કન્વર્ઝન અને ઍન્ટિ-કાઉ સ્લૉટર બિલ રિજેક્ટ કરી દીધાં હતાં. ત્યારે હિન્દુત્વ ઊંઘી ગયું હતું કે?

૩. વાવાઝોડાગ્રસ્ત ખેડૂતોને સાંત્વના આપવા ઉદ્ધવ ઠાકરે ક્યારે ગયા હતા? મુંબઈથી મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચતાં તેમને પખવાડિયું કેમ લાગ્યું હતું?

૪. છત્રપતિ શિવાજી મહારાજ પર જેમ્સ લઈને વિવાદાસ્પદ બુક બહાર પાડી ત્યારે એને પહેલો સપોર્ટ શિવસેનાના રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રીતીશ નન્દીએ આપ્યો હતો. ત્યારે તમારો શિવાજી પ્રત્યેનો પ્રેમ મરી ગયો હતો?

૫. રાજ્યસભાની સીટ કોઈ બૅકવર્ડ કમ્યુનિટીના નેતાને આપવાની વાત આવી ત્યારે શિવસેનાએ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના રામદાસ આઠવલેને બદલે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રાજકુમાર ધૂતને કેમ ફાળવી હતી?

આવા પ્રશ્નોથી BJPએ શિવસેનાની હિન્દુત્વ અને શિવાજી પ્રત્યેની નિષ્ઠા તેમ જ પછાતવર્ગ પ્રત્યેના દૃષ્ટિકોણને ખુલ્લો પડકાર ફેંક્યો છે. મળતી માહિતી પ્રમાણે સોશ્યલ મીડિયા પર આ પ્રશ્નો BJPએ સીધી રીતે વહેતા નથી કર્યા, પરંતુ પાર્ટીના સોશ્યલ મીડિયા સેલે BJP સાથે સીધા સંકળાયેલા ન હોય એવા લોકોમાં સક્યુર્લેટ કર્યા છે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે આ પ્રશ્નો એવી રીતે પ્લાન કરીને સક્યુર્લેટ કરવામાં આવ્યા છે કે એક તો પાર્ટીનું નામ ન આવે અને પબ્લિક આવા પ્રશ્નો કરી રહી છે એવું લાગે. આ નેતાના જણાવ્યા પ્રમાણે ‘શિવસેના એના મુખપત્ર ‘સામના’ દ્વારા BJPને ટાર્ગેટ કરે છે એથી અમે તેમને આ રીતે જવાબ વાળવાનું નક્કી કર્યું છે. અમારી પાર્ટીના ટોચના નેતાઓએ અમને શિવસેના સામે હુમલો ન કરવાનું અને ચૂપ રહેવાનું ફરમાન કર્યું હોવાથી અમે આ રસ્તો લીધો છે. શિવસેના અમારા ટોચના નેતાઓ પર હુમલો કરે ત્યારે અમે કેવી રીતે ચૂપ બેસી રહીએ?’

BJPના સોશ્યલ મીડિયા સેલે પણ આ પ્રશ્નો વહેતા મૂક્યાનો ઇનકાર કરીને આ માટે પાર્ટીના શુભેચ્છકોએ કદાચ આ કર્યું હોવાનું જણાવ્યું હતું. પાર્ટીના સોશ્યલ મીડિયા સેલના કન્વીનર જિતેન ગાજરિયાએ કહ્યું હતું કે ‘અમે અધિકૃત રીતે કોઈ જ પ્રશ્નો તૈયાર નથી કર્યા. શિવસેના અમારી પાર્ટીના ટોચના લીડર્સ સામે હુમલા કરતી રહે છે. એથી ગુસ્સે ભરાયેલા અમારા વેલ-વિશર્સ આ કરતા હશે.’

સોશ્યલ મીડિયા પર તો ઠાકરેપરિવાર પર સીધા કટાક્ષ કરતા સ્કેચિસ અને કાટૂર્ન્સ પણ સક્યુર્લેટ થઈ રહ્યાં છે એમાં પણ વેલ-વિશર્સનો હાથ હોવાનું BJPનું કહેવું છે.