ધારાવીની જંગી વોટ-બૅન્ક માટે BJP-શિવસેના વચ્ચે કટ્ટર જંગ

12 October, 2014 05:18 AM IST  | 

ધારાવીની જંગી વોટ-બૅન્ક માટે BJP-શિવસેના વચ્ચે કટ્ટર જંગ





એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક એવી ધારાવીમાં શિવસેના અને BJP વચ્ચે કટ્ટર મુકાબલો થવાની શક્યતા છે. BJPએ એના સ્ટાર-પ્રચારકોને અહીં લાવીને પોતાની તાકાત બતાવી છે જ્યારે શિવસેના એને મહત્વ આપવાના મૂડમાં નથી. ૧૦ ઑક્ટોબરે BJPના સ્ટાર-પ્રચારકો શત્રુઘ્ન સિંહા, શાહનવાઝ હુસેન અને વિનોદ તાવડેએ અહીં સભા યોજી હતી જ્યારે ગઇ કાલે વેન્કૈયા નાયડુ અહીં આવ્યા હતા. વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ૯ તારીખે અહીં સભાને સંબોધી હતી.

ઉપરોક્ત તમામ પ્રચારકોએ જુદી-જુદી કોમોને ધ્યાનમાં રાખીને અહીં પ્રચાર કર્યો હતો, કારણ કે અહીં તમામ જાતિના લોકો રહે છે અથવા કામ કરે છે. ઉદાહરણ તરીકે સુષમા સ્વરાજે અહીંની વાલ્મીકિ કોમને સંબોધી હતી. આ કોમ સામાન્ય રીતે પંજાબ અને હરિયાણામાંથી આવે છે. શત્રુઘ્ન સિંહા અને શાહનવાઝ હુસેને ઉત્તર ભારતીયોને સંબોધ્યા હતા જ્યારે વેન્કૈયા નાયડુએ દક્ષિણ ભારતીયો પર પોતાનું ધ્યાન કેãન્દ્રત કર્યું હતું. BJPના ધારાવી વિધાનસભાક્ષેત્રનાં ઉમેદવાર દિવ્યા ઢોલેએ કહ્યું હતું કે ‘મારા પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓ આવે છે, કારણ કે તેમને જાણ છે કે ધારાવીના વિકાસ વિના મુંબઈનો વિકાસ શક્ય નથી. ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક છે અને અમે એનો ઉદ્ધાર કરવા ઇચ્છીએ છીએ.‘

BJPના કાર્યકર્તાઓ દાવો કરે છે કે તેમને અહીં ઔદ્યોગિક હબ ઊભું કરવું છે જેથી અહીં લઘુઉદ્યોગો પાંગરી શકે. જ્યારે શિવસેના જે આ પૂર્વે ધારાવીનું પ્રતિનિધિત્વ કરતી હતી એ ગ્થ્ભ્નો ક્ટ્ટર વિરોધ કરી રહી  છે.

શિવસેનાના કાર્યકર્તાઓ દાવો કરે છે કે BJP ધારાવીમાં કોઈ પણ કામ કર્યા વગર તેમની મહેનત હાઇજૅક કરવાનો પ્રયાસ કરી રહી છે. BJPએ માત્ર મોટા નેતાઓને પ્રચાર માટે બોલાવ્યા છે. શિવસેનાના ઉમેદવાર બાબુરાવ માનેએ કહ્યું હતું કે ‘BJPએ મોં બતાવવું મુશ્કેલ છે એથી એણે એની ઉમેદવાર જે ધારાવીની નથી તેને ઉપર લાવવાનો પ્રયાસ કર્યો છે. લોકો માત્ર તેને જોવા આવે છે, પરંતુ તેને અહીંના વિસ્તારોની જાણ નથી.’