બીજેપી અને એમએનએસને શંકા: વિધાનસભાનું સત્ર રદ કરવા લૉકડાઉનનો ડર

23 February, 2021 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપી અને એમએનએસને શંકા: વિધાનસભાનું સત્ર રદ કરવા લૉકડાઉનનો ડર

શરદ પવાર

વિધાનસભાનું સત્ર એક માર્ચથી ચાલુ થવાનું છે ત્યારે વિરોધીઓના અણિયાળા સવાલોને ફેસ ન કરવા પડે એ માટે વિધાનસભાનું સત્ર જ રદ કરવાનો કારસો ગોઠવાઈ ગયો હોવાની શંકા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વ્યક્ત કરી છે.

એમએનએસના નેતા સંદીપ દેશપાંડેએ શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જ્યાં ખેડૂતોનું આંદોલન ચાલે છે, હજારો લોકો ભેગા થાય છે પણ ત્યાં કોરોના નથી થતો. અમરાવતીમાં કોરોનાની વધુ ટેસ્ટ લેવાની અને પછી જાહેર કરવાનું કે કોરોનાના કેસ વધી ગયા. છેલ્લા ચાર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ, પેટ્રોલના દર વધતાં આંદોલનો થયાં, બસમાં લોકો હકડેઠઠ પ્રવાસ કરતા હતા ત્યારે પણ કોરોનાના કેસ ન વધ્યા અને હમણાં અધિવેશનના સમયે જ કેમ અચાનક કેસ વધી ગયા? વળી રાષ્ટ્રવાદીના નેતાઓને કેમ કોરોના થવા માંડ્યો? આ કોરોના વાઇરસની નવી જાત નીકળી લાગે છે.’ 

રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. લોકો કાળજી નથી લઈ રહ્યા. જો આવું જ ચાલશે તો ફરી લૉકડાઉન લાગુ કરવું પડશે એવી ચીમકી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે રાજ્યની જનતાને સંબોધતા કરી હતી. એના સંદર્ભે સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાના આકંડા કઈ રીતે વધી ગયા એ એક સવાલ છે. મહેરબાની કરીને જનતાને લૉકડાઉનનો ભય ન બતાવો. વિધાનસભાનું સત્ર ન લેવું હોય તો ન લો,  વિધાનસભાના અધ્યક્ષની પસંદગી ન કરવી હોય તો ન કરો, પણ લૉકડાઉનનો ડર શું કામ બતાવો છો?   

બીજેપીના વિધાનસભ્ય નિતેશ રાણેએ પણ આ બાબતે શંકા વ્યકત કરતાં કહ્યું છે કે મહા વિકાસ આઘાડીની આ સરકારના નેતાઓને કેમ અત્યારે જ કોરોના થઈ રહ્યો છે? વિધાનસભાનું સત્ર ૧ માર્ચથી ચાલુ થઈ રહ્યું છે એના ૮ દિવસ પહેલાં જ કેમ કોરોના થઈ રહ્યો છે? રાજ્યના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપે એક વર્ષથી રાજ્યના ખૂણેખૂણે ફરી વળ્યા છે. તેમને અત્યાર સુધી કોરોના નહોતો થયો અને હવે અધિવેશનના આઠ દિવસ પહેલાં જ કોરોના થયો. છગન ભુજબળને પણ આજે સવારે જ કોરોના થયો. રાષ્ટ્રવાદીના પ્રદેશાધ્યક્ષ રાજ્યમાં  રાષ્ટ્રવાદી પરિવાર સંવાદયાત્રા કાઢી રાજ્યમાં ફરી રહ્યા હતા ત્યારે તેમને કોરોના ન થયો અને હવે થયો. તો  કોરોના કોવિડ-19નો છે કે રાજકીય કોરોના છે? એવો સૂચક સવાલ તેમણે કર્યો હતો.

ભુજબળને કોરોના થતાં શરદ પવાર ટેન્શનમાં

મહા વિકાસ આઘાડીની સરકારના પ્રધાનમંડળના ચાર પ્રધાનો રાજેશ ટોપે, જયંત પાટીલ, બચ્ચુ કડુ અને રાજેન્દ્ર શિંગણેને હાલમાં જ કોરોના થયો છે ત્યારે તેમાં હવે છગન ભુજબળનો પણ વધારો થયો છે. જોકે નવાઈની વાત એ છે કે રવિવારે જ તેઓ એક લગ્ન સમારંભમાં શરદ પવાર સાથે જોવા મળ્યા હતા. એથી હવે બધાની નજર શરદ પવાર પર મંડાયેલી છે. ગઈ કાલે સવારે છગન ભુજબળે ટ્વીટ કરીને કહ્યું છે કે ‘મારો કોરોનાનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવેલા દરેકે કાળજી લેવી અને કોરોનાની ટેસ્ટ કરાવી લેવી. મારી તબિયત સારી છે, કોઈએ ચિંતા કરવી નહીં.’

mumbai mumbai news lockdown bharatiya janata party maharashtra navnirman sena