આજે નાગપુરમાં વિધાનભવન પર અહિંસાપ્રેમીઓનો વિરાટ મોરચો

19 December, 2012 05:35 AM IST  | 

આજે નાગપુરમાં વિધાનભવન પર અહિંસાપ્રેમીઓનો વિરાટ મોરચો



રાજ્યમાં સંપૂર્ણ ગૌવંશ વધ પ્રતિબંધ બિલને કાયદાનું સ્વરૂપ મળે અને મુંબઈના દેવનાર કતલખાનામાંથી થતી માંસની નિકાસ પર પ્રતિબંધ મુકાય એવી માગણી સાથે નાગપુર વિધાનસભા પર આવતી કાલે એટલે કે ૨૦ ડિસેમ્બરે ગૌવંશ રક્ષા સમિતિ અને અખિલ ભારત કૃષિ ગૌસેવા સંઘના નેજા હેઠળ નીકળનારા અહિંસાપ્રેમીઓના મોરચાને એક દિવસ વહેલો કરી નાખવામાં આવ્યો છે. આ મોરચો હવે આજે વિધાનસભા પર લઈ જવામાં આવશે. પ્રેસિડન્ટ પાસે પડેલા એ બિલ પર સહી કરાવવા વિધાનસભ્યોમાં એકમત સધાય અને એ માટે તેમને સમય મળી રહે એટલે આજે એક દિવસ પહેલાં મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મોરચામાં પચાસ હજારથી એક લાખ લોકો જોડાશે એવું માનવામાં આવી રહ્યું છે. આ વિશે માહિતી આપતાં રાષ્ટ્રીય ગૌવંશ રક્ષા સમિતિના અતુલકુમાર શાહે ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘આખા વિશ્વમાં સૌથી ઓછા માંસનો વપરાશ આપણા દેશમાં થાય છે. વર્ષે દહાડે વ્યક્તિદીઠ માત્ર ૧.૦૯ કિલો માંસ વપરાય છે, પણ એ સામે આપણો દેશ સૌથી વધુ માંસની નિકાસ કરે છે. એનો મતલબ એમ થયો કે વિદેશીઓનાં પેટ ભરવા આપણા પશુધનની બેફામ કત્લેઆમ કરવામાં આવે છે. વર્ષો થયાં આ માટે બિલ બનીને તૈયાર છે, પણ એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવતું નથી. આજના આ મોરચામાં જોડાવા મુંબઈથી અનેક જૈન યુવાનો, અંહિસાપ્રેમીઓ, વારકરી સંપ્રદાયના લોકો, વિશ્વ હિન્દુ પરિષદના સમર્થકો નાગપુર આવવા ગઈ કાલે જ રાત્રે ટ્રેનમાં નીકળી ગયા હતા. એ ઉપરાંત જૈનોના પરમ પૂજ્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ, જે હાલ નાગપુરમાંજ વિહાર કરી રહ્યા છે, તેમના હજારો અનુયાયીઓ આ મોરચામાં ભાગ લેવાના છે. આખા મહારાષ્ટ્રના અહિંસામાં માનતા મરાઠી વારકરી સંપ્રદાયના પણ હજારો લોકો આમાં મોટી સંખ્યામાં જોડાવાના છે.’

આ વિશે વધુ માહિતી આપતાં અતુલકુમાર શાહે કહ્યું હતું કે ‘વિધાનસભાના શિયાળુ સત્રમાં આ વિશે મુદ્દો ઉપાડવા વિધાનસભાના વિરોધપપક્ષના નેતા એકનાથ ખડસે અને ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ ખાતરી આપી છે. તેમણે કહ્યું છે કે જો વિધાનસભામાં આ માટે જવાબ નહીં મળે તો અમે વિધાનસભાની કાર્યવાહી ખોરવી નાખીશું.’