બર્થ-ડે બન્યો ડેથ-નાઇટ

17 December, 2020 11:19 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

બર્થ-ડે બન્યો ડેથ-નાઇટ

મહારાષ્ટ્રના ચંદ્રપુર નજીકના મૂલ ગામમાં રહેતાં પાંચ યુવક-યુવતીની કારને મંગળવારે રાત્રે ૧૧ વાગ્યે નડેલા અકસ્માતમાં ચાર ફ્રેન્ડ્સનાં કરુણ મૃત્યુ થયાં હતાં જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલો એક યુવક હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું. પાંચય ફ્રેન્ડ્સ બર્થ-ડેની ઉજવણી કરીને કારમાં ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે એક ટ્રૅક્ટર સાથે પાછળથી કાર અથડાઈ હતી. એકસાથે ચાર હાઈ પ્રોફાઇલ પરિવારનાં યુવક-યુવતીનાં મૃત્યુ થવાના સમાચાર વાયુવેગે ફેલાતાં શહેરમાં શોકનું વાતાવારણ છવાઈ ગયું હતું.

પોલીસે આપેલી માહિતી મુજબ ચંદ્રપુર નજીકના મૂલ ગામના વતની યોગ હિરેન ગોગરીનો બર્થ-ડે હોવાથી તે સ્મિત રાજુ પટેલ, અમન સલીમ શેખ, દર્શના વિષ્ણુ ઉધવાણી અને પ્રગતિ વિજય નિમગડે નામના ચાર ફ્રેન્ડ્સ સાથે ચંદ્રપુર શહેરની નજીક આવેલા વિલેજ વૉક ઢાબા પર જમવા માટે મંગળવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ નીકળ્યા હતા.

તમામ મિત્રો યોગ ગોગરીની કારમાં ગયા હતા અને રાત્રે ૧૧ વાગ્યે તેઓ પાછા આવી રહ્યા હતા ત્યારે તેમની કાર એક ટ્રૅક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટ્રૅક્ટરમાં ખેતીનો સામાન ભર્યો હતો એને લીધે ઝડપથી આવી રહેલી કાર ટ્રૅક્ટરના પાછળના ભાગમાં ઘૂસી જવાથી એમાં બેસેલા પાંચેય ફ્રેન્ડ્સ ગંભીર રીતે ઘવાયા હતા. યોગ ગોગરીને બાદ કરતાં તેના ચારેય ફ્રેન્ડ્સ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા.

આ અકસ્માત મૂલ અને ચંદ્રપુર વચ્ચેના હાઇવે પર અજયપુર ગામ પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં રામનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારમાં મૃત્યુ પામનારા સ્મિત પટેલ, અમન શેખ, દર્શના ઉધવાણી ને પ્રગતિ નિમગડેના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને ગંભીર રીતે જખમી થયેલા બર્થ-ડે બૉય યોગ ગોગરીને ચંદ્રપુરની મેહરા હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો.

રામનગર પોલીસના કહેવા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલાં ચારેય યુવક-યુવતી અહીંના પ્રતિષ્ઠિત પરિવારનાં છે. સ્મિત પટેલ અને અમન શેખ તેમનાં માતા-પિતાનાં એકના એક સંતાન હતાં. સ્મિત પટેલ અહીં રાઇસ મિલના માલિક રાજુ પટેલનો પુત્ર હતો, જ્યારે અમન શેખ તવક્કલ રેડિમેડ સ્ટોર્સના માલિકનો પુત્ર હતો. દર્શના ઉધવાણી વરાઇટી સ્ટોર્સના માલિક વિષ્ણુભાઈની પુત્રી હતી, જ્યારે પ્રગતિ ચિચપલ્લી ખાતેના ટીચર વિજય નિમગડેની પુત્રી હતી. પાંચેય ફ્રેન્ડ્સ એસએસસી સુધી એક જ સ્કૂલમાં ભણ્યા હતા. તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા. તેમના મૃત્યુના સમાચાર આવતાં શહેર આખામાં ગમગીની છવાઈ ગઈ હતી.

મૂલ ગામના પોલીસ-અધિકારી રાજપૂત અને રામનગર પોલીસ સ્ટેશનના અધિકારી પ્રકાશ હાકેએ અકસ્માત થવાની પુષ્ટ‌િ કરી હતી અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યોગ ગોગરીની સ્થિતિ નાજુક હોવાનું કહ્યું હતું.

યોગના પિતા હિરેન ગોગરીએ પણ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યોગ ચંદ્રપુરની મેહરા હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.’ યોગ ગોગરીનો પરિવાર બિદડા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું.

maharashtra chandrapur mumbai mumbai news prakash bambhrolia