કબૂતરને ચણ નાખતા હો તો રહેજો સાવધાન!

23 January, 2021 09:21 AM IST  |  Mumbai | Shirish Vaktania

કબૂતરને ચણ નાખતા હો તો રહેજો સાવધાન!

ફાઈલ તસવીર

દેશના અનેક પ્રાંતોમાં બર્ડ ફ્લુની બીમારીના પ્રસારને ધ્યાનમાં રાખતાં મુંબઈ મહાનગરપાલિકાએ શહેરના અનેક ઠેકાણે કબૂતરખાના પાસે નોટિસો મૂકીને લોકોને પક્ષીઓને ચણ નહીં નાખવાનો અનુરોધ કર્યો છે. એમ કરવાથી હાઇપર સેન્સિટિવ ન્યુમોનિયા ફેલાવાની સંભાવના નોટિસો-બૅનર્સમાં દર્શાવવામાં આવી છે. પક્ષીઓને ચણ નાખવા બદલ ૫૦૦

 રૂપિયા દંડની જોગવાઈ  છે છતાં લોકો દાણા નાખવાનું ચાલુ રાખે છે. અંધેરી-વેસ્ટના લોખંડવાલા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં કબૂતરોને ચણ નાખવા બદલ બે જણ સામે તથા નજીકના અન્ય વિસ્તારમાં પક્ષીઓનું ચણ વેચવા બદલ એ દુકાનના માલિક સામે આંબોલી પોલીસ-સ્ટેશનમાં ગુના નોંધાયા છે.

જીવદયાપ્રેમીઓ દાણા નાખવાનું ચાલુ રાખે છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ બર્ડ ફ્લુના રોગાચાળાના અનુસંધાનમાં બેદરકાર નહીં રહેતાં કાર્યવાહી કરી રહ્યા છે. લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં કબૂતરોને ચણ નાખવા બદલ ફિલ્મ-દિગ્દર્શક ભરત શર્મા અને દુકાનદાર જેઠાલાલ છાડવા સામે અને પક્ષીઓનું ચણ વેચવા બદલ રતન છાડવા સામે આંબોલી પોલીસ-સ્ટેશને ગુના નોંધ્યા છે.

ભરત શર્માએ જણાવ્યું કે ‘હું છેલ્લાં ૧૫ વર્ષથી ૫૦૦૦ કબૂતરોને ચણ નાખું છું. હવે અચાનક મહાનગરપાલિકા બૅનર્સ દ્વારા નોટિસ મૂકે છે. કબૂતરો કોઈ રોગ ફેલાવતાં નથી. આ ઠેકાણે કબૂતરખાનું હતું, પરંતુ બે મહિના પહેલાં પાડોશની રુણવાલ રેસિડેન્સીના રહેવાસીઓએ ફરિયાદ કર્યા પછી એ કબૂતરખાનું તોડી પાડ્યું હતું. હું નિયમિત પક્ષીઓને ચણ નાખતો હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. જોકે હું ધરપકડના ભય વિના પક્ષીઓને દાણા નાખતો રહીશ.’

ગયા માર્ચ મહિનામાં પણ કરિયાણાના દુકાનદાર રતન છાડવા અને તેમના દીકરા કેવલ છાડવા સામે આંબોલી પોલીસ-સ્ટેશને આવો કેસ નોંધ્યો હતો. રતન છાડવાએ જણાવ્યું હતું કે પક્ષીઓનું ચણ વેચવાનું મારી પાસે લાઇસન્સ હોવા છતાં એને માટે મુંબઈ મહાનગરપાલિકા વારંવાર મને અને મારા પુત્રને હેરાન કરે છે.

મુંબઈ મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટેએ જણાવ્યું હતું કે ‘રસ્તા પર ન્યુસન્સ પેદા કરનારાઓ સામે અમે ગુનો નોંધ્યો છે. અમે કોઈ જોખમ લેવા ઇચ્છતા નથી. ખુલ્લેઆમ પક્ષીઓને ચણ નાખનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુનો નોંધવામાં આવશે. અમે કોઈ જોખમ લેવા ઇચ્છતા નથી.’

mumbai mumbai news mumbai police