બૅરિકેડની રસ્સીમાં બાઇક અટવાઈ જતાં ગુજરાતી કોરાના યોદ્ધાનો જીવ ગયો

08 April, 2020 07:40 AM IST  |  Mumbai | Mumbai Correspondent

બૅરિકેડની રસ્સીમાં બાઇક અટવાઈ જતાં ગુજરાતી કોરાના યોદ્ધાનો જીવ ગયો

કિશોરભાઈ અને તેમનાં પત્ની રાજુબહેન ચૌહાણ.

કોરોના-યુદ્ધ સામે ડૉક્ટર અને પોલીસ સાથે મહાનગરપાલિકાના સફાઈ-કર્મચારીઓ પણ જીવ જોખમમાં મૂકીને કોરોના-યોદ્ધા જેવું કામ કરી રહ્યા છે. નાશિકના દુર્ગાનગરમાં આરટીઓ ઑફિસ પાછળ રહેતા અને નાશિક શહેર મહાનગરપાલિકાના નિવૃત્ત સુપરવાઇઝર ૫૬ વર્ષના કિશોર ચૌહાણ તેમનાં બાવન વર્ષનાં પત્ની રાજુબહેન સાથે લૉકડાઉન વચ્ચે પણ કામ પર પોતાની ફરજ બજાવવા જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તા પર બૅરિકેડ માટે બાંધેલી રસ્સીમાં તેમની બાઇક અટવાઇ ગઈ અને આ ગુજરાતી કર્મચારીના ગળામાં ફાંસો આવતાં તેઓ જીવ ગુમાવી બેઠા હતા અને ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. તેમનાં પત્ની ગંભીર રીતે જખમી થતાં તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ચેમ્બુરથી તેમનાં મમ્મી અને અન્ય સગાંસંબંધીઓ આવ્યા બાદ ગઈ કાલે સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને ઘણા ઓછા લોકોની ઉપસ્થિતિમાં કિશોરભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ બનાવ વિશે માહિતી આપતાં કિશોર ચૌહાણના સંબંધી કેતન મારુએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે‘કિશોરભાઈને ત્રણ સંતાનો છે અને ગયા મહિને જ તેમણે નાશિક મહાનગરપાલિકામાં સુપરવાઇઝરના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપીને તેમના દીકરાને પોતાની નોકરી અપાવી હતી. તેમનાં પત્ની રાજુબહેન પણ મહાનગરપાલિકામાં સફાઈ-કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. સોમવારે સવારે સાડાચાર વાગ્યે કિશોરભાઈ અને રાજુબહેન બન્ને બાઇક પર તેમના ઘરથી ૬ કિલોમીટરના અંતરે આવેલા ગંગાવાડીમાં કામ પર જઈ રહ્યાં હતાં. જોકે કિશોરભાઈ તેમનાં પત્નીને મદદ કરવા માટે જ સાથે જતા હતા. હાલના લૉકડાઉનમાં કામ વધુ હોવાથી બન્ને સાથે જતાં હતાં. ઘરથી લગભગ ત્રણેક કિલોમીટરના અંતરે રસ્તા પર લૉકડાઉનને લીધે બૅરિકેડ્સ મૂક્યાં છે અને એ બૅરિકેડ્સને રસ્તા પરના ડિવાઇડર સાથે રસ્સીથી બાંધવામાં આવ્યાં હતાં. બાઇક પર જતી વખતે આ રસ્સી પર કિશોરભાઈનું ધ્યાન ન જતાં એ રસ્સી સીધી તેમના ગળામાં ફસાઈ ગઈ અને બાઇક આગળ જતી રહી હતી. ગળે ફાંસો આવતાં કિશોરભાઈએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. તેમની પત્નીને કમર અને માથા પર ગંભીર ઈજા થતાં પાસેની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવ્યાં હતાં.’

ચેમ્બુરથી પોલીસની પરવાનગી લઈને સગાંસંબંધીઓ નાશિક પહોંચ્યાં હતાં એમ કહેતાં કેતનભાઈએ કહ્યું કે ‘કિશોરભાઈનાં મમ્મી ચેમ્બુરમાં તેમની દીકરીના ઘરે હતાં. આ સમાચાર મળતાં તેમનાં સગાંસંબંધીઓએ પોલીસ-પરવાનગી લઈને ગયાં હતાં અને નાશિકમાં ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.’

mumbai mumbai news nashik coronavirus